ભૂગર્ભ જળ રડાવશે: બનાસકાંઠાના ખેડૂતો છોડી રહ્યા છે ખેતી? જમીનો વેચવા મજબૂર
રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લો રાજ્યનો એક એવો જિલ્લો છે કે જે જિલ્લો ઝડપથી ભૂગર્ભજળ ગુમાવી રહ્યો છે. જિલ્લાના પાલનપુર, વડગામ તાલુકા સહીત અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં ભૂગર્ભ જળ એટલા ઊંડા ગયા છે કે ભૂગર્ભજળની ઉણપને કારણે ખેડૂતોને પોતાનો વર્ષો જૂનો પારંપારીક ખેતી અને પશુપાલનનો વ્યવસાય છોડવા ખેડૂતો મજબૂર બન્યા છે. જે ખેડૂતો વારસાગત વ્યવસાય સાચવી રાખવાના સપના જોતા હતા તેવા ખેડૂતો આજે વારસાગત જમીન વેચવા મજબૂર બન્યા છે. અને ખેડૂતોની આ મહામૂલી જમીન વેચાતા આજે ખેતરની જમીન ઉપર સિમેન્ટના જંગલો ઉભા થયેલા પણ જોવા મળી રહ્યા છે.
રાજ્યનો બનાસકાંઠા જિલ્લો એ એક એવો જિલ્લો છે કે જે જિલ્લામાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. આ વિસ્તારના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય થકી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. જોકે ખેતી અને પશુપાલન જિલ્લાના મોટાભાગના લોકોને વારસામાં મળેલો વ્યવસાય છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભજળની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે જિલ્લાનો પાલનપુર અને વડગામ તાલુકાના મોટાભાગના વિસ્તારોમાં તો ભૂગર્ભ જળ એટલા ઊંડા ગયા છે કે આ વિસ્તારના લોકોને ખેતી અને પશુપાલન કરવું તો કેવી રીતે તે એક સવાલ થયો છે. અને તેને જ કારણે આ વિસ્તારના ખેડૂતોને ભૂગર્ભજળની ચિંતા સતાવી રહી છે.
મહત્વની વાત છે કે છેલ્લા કેટલાક સમથી ભૂગર્ભ જળ ઊંડા જતા ખેડૂતોએ પોતાના વારસામાં મળેલી કીમતી જમીનને બચાવવા અનેક પ્રયાસો કર્યા. કેટલાક ખેડૂતો એ તો પોતાના ખેતરોમાં એક બે નહીં પરંતુ 25 -25 બોર બનાવી દીધા તેમ છતાય પાણીનું ટીપું એ ન મળ્યું અને આખરે આ ખેડૂતો અન્ય વ્યવસાય સાથે સંકળાયવા મજબૂર બન્યા છે. જોકે ભૂગર્જળની પરિસ્થિતિથી પીડિત ખેડૂતો પોતાનો પરંપારિક ખેતી અને પશુપાલનનો વ્યવસાય ગુમાવવા નથી માંગતા અને એટલે આ ખેડૂતો સરકાર પાસે એવી આશા રાખી રહ્યા છે કે સરકાર આ ખેડૂતોની વારે આવશે અને સરકાર આ વિસ્તારોમાં કેનાલ કે તળાવ ભરવાના પ્રોજેક્ટ પાયલોટ પ્રોજેક્ટની સ્થિતિમાં ઉપાડે અને વહેલી તકે વિસ્તારોમાં પાણી પહોંચાડે તો જ આ ખેડૂતો પોતાની કીમતી જમીન બચાવી શકશે અને પોતાનો કિંમતી વ્યવસાય ટકાવી શકશે.