December 19, 2024

રાજપીપળામાં હરસિદ્ધિ માતાના પ્રાગટ્ય પર ભવ્ય નગરયાત્રા

પ્રવિણ પટવારી, નર્મદા: આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાજી મંદિરમાં 423માં પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. રિયાસતી રાજવી નગરી રાજપીપળાના રાજવી પરિવારની કુળદેવી હરસિધ્ધિ માતાજી મંદિરનો દ્વિદિવસીય પ્રાગટ્ય મહોત્સવનો આજે પ્રથમ દિવસ હતો. જેમાં સૌ પ્રથમ વાર ઐતિહાસિક ભવ્ય નગરયાત્રા નીકળી હતી. જે લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી

ઇ. સ 1657માં રાજવી વેરીશાલજી મહારાજ સાથે જે સ્વરૂપમાં માતાજી પધાર્યા હતા. તે મૂળ સ્વરૂપનો ટેબલો દર્શન ખાસ કરીને લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. વાઘ પર સવારી કરનાર મા હરસિદ્ધિ સાથે પધારેલ મહાદેવ, વીર વૈતાલ અને હનુમાન સાથેના ટેબલા સાથે માતાજીના દર્શન કરી ભક્તો અભિભુત થયા હતા. ખાસ રથમાં મંદિરના ગર્ભગૃહમાં વાઘની સવારી પર બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપમાં શણગારેલ રથમાં બિરાજેલ હરસિદ્ધિ માતા સ્વરૂપની ઝાંકી વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની હતી. ખાસ તો મંદિરના ગર્ભગૃહમાં મુકેલ માતા હરસિદ્ધિની તસવીરની પૂજારી અને આરતી સાથેના દર્શનની અનોખી ઝાંકી જોવા લોકોના ટોળા ઉમટ્યા હતા. હરસિદ્ધિ મંદિર , ઉજ્જૈન મંદિર, કોયલા ડુંગર સહીત વીર વૈતાલની ઝાંકી વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી

બાલિકાઓની કળશ યાત્રા સાથે મોટી સંખ્યાઓમાં મહિલાઓ માતાજીના ગરબાની રમઝટ સાથે નીકળેલી નગર યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રથમાં બિરાજમાન રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ સાથે નગરજનો પણ નગરયાત્રામાં જોડાયાં હતા. પ્રાગટ્ય મહોત્સવના પ્રથમ દિવસે નગરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.

પ્રાચીન ઈતિહાસ મુજબ વીર વિક્રમાદિત્યથી પ્રખ્યાત થયેલા ઉજજૈન નગરીના પરમાર રાજયકર્તા વિદ્યાચળ પ્રદેશમાં રાજપીપળાના ચરણમાં આવીને વસેલા હતા. પોતાની ઈષ્ટદેવી શ્રી હરસિદ્ધિએ સ્વપ્ન આપી સાક્ષાત દેવતા શ્રી મહાકાલેશ્વર વીર વૈતાળ અને દૈવીશ્રી પોતે આ પ્રદેશમાં સ્થાન કરવા ઈચ્છે છે. આવી આજ્ઞા આપી. જેના પરિણામે રાજપીપળાની પુણ્યભૂમિમાં આ દેવ સ્થાપિત થયાં અને અહીં રાજપીપળામાં માતા શ્રી હરસિદ્ધિનું મંદિર બંધાવ્યું. આ વાતને આજે 423 વર્ષ વીતી ગયા છે. 423 વર્ષ પહેલા માતા હરસિદ્ધિ રાજપીપળામાં બિરાજમાન થયા હતા. આજે માતા હરસિદ્ધિનો પ્રાગટ્ય દિન છે. આથી રાજપીપળામાં નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો છે.