December 23, 2024

GPT હેલ્થકેરના રોકાણકારો આનંદો, 15%ના પ્રીમિયમ પર લિસ્ટિંગ

GPT Healthcare IPO: GPT હેલ્થકેરના રોકાણકારોને આજે સારા સમાચાર મળ્યા છે કારણ કે તેના શેરના લિસ્ટિંગમાં નોંધપાત્ર વધારો થયો છે. GPT હેલ્થકેર સ્ટોક્સ NSE પર શેર દીઠ રૂ. 215ના ભાવ પર લિસ્ટેડ થયું છે. આ તેની IPO કિંમત કરતાં 15.6 ટકાનું પ્રીમિયમ દર્શાવે છે. મહત્વનું છેકે, IPOમાં તેની ઇશ્યૂ કિંમત 186 રૂપિયા પ્રતિ શેર હતી.

BSE પર GPT હેલ્થકેરના શેર
GPT હેલ્થકેરના શેર આજે BSE પર રૂ. 216.15 પ્રતિ શેરના ભાવે લિસ્ટ થયા છે. તે ઈશ્યુ પ્રાઇસથી સારો લિસ્ટિંગ ફાયદો મેળવવામાં સફળ રહ્યો છે. GPT શેર 16.21 ટકાના પ્રીમિયમ સાથે BSE પર લિસ્ટેડ છે. GPT રોકાણકારોને IPOમાં ફાળવેલ શેર રૂ. 186માં મળ્યા હતા અને આજે લિસ્ટિંગ રૂ. 215 (NSE) પર છે. એટલે કે રોકાણકારોને દરેક શેર પર 29 રૂપિયાનો નફો થયો છે. જે રોકાણકારોને એલોટમેન્ટ મળ્યું છે. તેમને ઓછામાં ઓછા 80 શેર મળ્યા હોવા જોઈએ એટલે કે જો તેઓ 80 શેર પર શેર દીઠ રૂ. 29નો નફો કરે છે. તો રોકાણકારોને તેના લિસ્ટિંગ સાથે રૂ. 2320નો નફો થયો છે. GPT હેલ્થકેરના IPOને સારો પ્રતિસાદ મળ્યો હતો. BSE પર જાહેર કરાયેલા આંકડા અનુસાર IPO કુલ 8.52 વખત સબસ્ક્રાઇબ થયો હતો.

GPT હેલ્થકેર IPO વિશે જાણો
ILS હોસ્પિટલ ચેઇન ચલાવતી કંપની GPT હેલ્થકેરનો IPO 22 ફેબ્રુઆરીથી 26 ફેબ્રુઆરી દરમિયાન ખોલવામાં આવ્યો હતો. આ પબ્લિક ઈશ્યુમાં શેરની પ્રાઇસ બેન્ડ રૂ. 177 થી રૂ. 186 રાખવામાં આવી હતી. કંપનીના શેરની ફેસ વેલ્યુ 10 રૂપિયા રાખવામાં આવી હતી. કંપનીએ IPO શરૂ થયા પહેલા જ IPO મારફત એન્કર રોકાણકારો પાસેથી રૂ. 157.54 કરોડની રકમ એકત્ર કરી હતી. એક્સચેન્જને આપેલી માહિતીમાં કંપનીએ કહ્યું હતું કે, તેણે 186 રૂપિયા પ્રતિ શેરના ભાવે 84,69,996 શેર ફાળવ્યા છે.