સરકાર પાસે મફત યોજનાઓ માટે પુષ્કળ પૈસા છે, પરંતુ ન્યાયાધીશોના પગાર અને પેન્શન માટે નથી’: સુપ્રીમ કોર્ટ
Supreme Court: સુપ્રીમ કોર્ટે જિલ્લા અદાલતના ન્યાયાધીશોના પગાર અને પેન્શનને લઈને સરકારોના વલણ પર નિરાશા વ્યક્ત કરી છે. તમામ રાજ્ય સરકારો દ્વારા મફતમાં વહેંચવામાં આવતા નાણાં તરફ ધ્યાન દોરતા કોર્ટે કહ્યું, જેઓ કોઇ કામ કરતા નથી, તમારી પાસે તેમના માટે પૈસા છે. જ્યારે ન્યાયાધીશોના પગાર અને પેન્શનનો પ્રશ્ન આવે છે, ત્યારે તેઓ નાણાકીય સમસ્યાઓનો ઉલ્લેખ કરવાનું શરૂ કરે છે.”
ઓલ ઈન્ડિયા જજીસ એસોસિએશન નામની સંસ્થા દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં વિવિધ પક્ષો દ્વારા કરવામાં આવી રહેલી જાહેરાતો અંગે ચર્ચા કરી હતી. કોર્ટે કહ્યું, “ચૂંટણી આવતાની સાથે જ લાડલી બેહન જેવી યોજનાઓની જાહેરાત થવા લાગે છે, જ્યાં એવું કહેવામાં આવે છે કે લાભાર્થીઓને દર મહિને એક નિશ્ચિત રકમ આપવામાં આવશે. “દિલ્હીની પાર્ટીઓ સત્તામાં આવશે તો દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપી રહી છે.”
‘મફત એ એક અસ્થાયી વ્યવસ્થા છે’-કેન્દ્ર સરકાર
2015માં દાખલ કરાયેલી આ અરજીમાં ન્યાયાધીશોના ઓછા પગાર અને નિવૃત્તિ પછી યોગ્ય પેન્શન ન મળવાની વાત કહેવામાં આવી છે. સમગ્ર દેશમાં આ બાબતે એકસમાન નીતિ ન હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસમાં મદદ કરવા માટે વરિષ્ઠ વકીલ કે પરમેશ્વરને એમિકસ ક્યુરી તરીકે નિયુક્ત કર્યા છે. સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એટર્ની જનરલ આર વેંકટરામણીએ કહ્યું કે સરકારો દ્વારા આપવામાં આવતી ફ્રીબીઝ (મફત યોજનાઓ) અસ્થાયી વ્યવસ્થા છે. પગાર અને પેન્શનમાં વધારો એ કાયમી બાબત છે. આવક પર તેની અસર ધ્યાનમાં લેવી મહત્વપૂર્ણ છે.
એટર્ની જનરલે જસ્ટિસ ગવાઈ અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની બે સભ્યોની બેન્ચને કહ્યું કે કેન્દ્ર સરકાર એક નોટિફિકેશન લાવવા પર વિચાર કરી રહી છે, જે અરજીમાં ઉઠાવવામાં આવેલી ચિંતાઓને દૂર કરશે. જેના પર ન્યાયાધીશોએ કહ્યું કે જો સરકાર ભવિષ્યમાં આવું કરે છે તો તેને તેની જાણ કરવી જોઈએ. આ કેસ લાંબા સમયથી પેન્ડિંગ હોવાથી તેની સુનાવણી હવે મુલતવી રાખવામાં આવશે નહીં.