November 25, 2024

અમરેલી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓ ‘ફાયર સેફ્ટી’નો અભાવ

દશરથસિંહ રાઠોડ, અમરેલી: રાજકોટ ગેમઝોન કાંડ બાદ જાગેલ સફાળું તંત્ર દ્વારા આડેધડ ફાયર સેફ્ટીના નામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ફાયર સેફ્ટી વગરની સરકારી કચેરીઓ પ્રત્યે ફાયર વિભાગ આંખ આડા કાન કરતું હોવાની પ્રતીતિ વચ્ચે અમરેલી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓ ફાયર સેફ્ટી વિહોણી હોવા છતાં ફાયર વિભાગ ધૃતરાષ્ટ્રની ભૂમિકા સામે અમરેલી વાસીઓમાં સવાલો ઉભા થયા છે.

રાજકોટ ગેમઝોન કાંડની ગમખ્વાર દુર્ઘટના બાદ રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરી રહ્યું છે તે સરાહનીય છે. ભીડ ભાડ વાળી જગ્યાએ લોકોના જીવના જોખમાઈ તે અંતર્ગત થતી ફાયર વિભાગની કામગીરીઓ અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી શરૂ છે. બિલ્ડિંગો, સિનેમા હોલ, બેંક, દુકાનો, રેસ્ટોરન્ટો સામે તવાઈ હાથ ધરીને સીલ મારવાની કામગીરીઓ શરૂ છે.

અમરેલી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં એકપણ ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી. જેમાં અમરેલી જિલ્લા પંચાયત, અમરેલી નગરપાલિકા, અમરેલી આયોજન કચેરી, અમરેલી એસપી કચેરી, જિલ્લા ઉદ્યોગ કચેરીઓ સહિતની મોટાભાગની સરકારી કચેરીઓ ફાયર સેફ્ટી વિના ધમધમી રહી છે. જ્યારે અમરેલી સેવા સદન ગણાતું બહુમાળી ભવન કે જ્યાં ઓછામાં ઓછી 30 ઉપરાંતની સરકારી કચેરીઓ આવેલી છે. રોજના હજારો લોકો આ કચેરીઓમાં આવનજાવન કરતા હોય ત્યારે અમરેલી શહેર સાથે તાલુકા મથકો પર શૂરવીર સાબિત થતી ફાયર વિભાગની ટીમો સીલ મારીને ફાયર વિભાગ પોતાની જાતને તિસમારખાન સમજે છે, પણ સરકારી કચેરીઓ પ્રત્યે ધૃતરાષ્ટ્રની ભૂમિકા ભજવતું હોવાનો વસવસો ખુદ ભાજપના નેતાઓ સાથે સ્થાનિકો પણ કરી રહ્યા છે.

નાના ધંધા રોજગાર સહિતની રોજબરોજ ની કામગીરીઓ કરતી બેંક ને પણ ફાયર સેફ્ટીના નામનો ધોકો પછાડીને 2019માં ફાયર સેફ્ટીમાં નવા કાયદા અમલીકરણ ફરજિયાત કરાવે છે, પણ 2019 પહેલા બનેલી બિલ્ડિંગો પ્રત્યે પણ નવા કાયદાનું અમલીકરણ કરાવવાના તાલિબાની નિર્ણય સામે ભાજપના નેતા સાથે સ્થાનિકો પણ સરકારી તિજોરી ભરવાનો આ કારસો ગણી રહ્યાં છે, સરકારી કચેરીઓ પ્રત્યે નરમ વલણ કરતી ફાયર વિભાગના અધિકારી એચ.સી.ગઢવીએ ક્રાઇટ એરિયા અને ટેન્ડર પ્રક્રિયાની વાત કરીને સરકારી કચેરીઓ પ્રત્યે ઢાંક પીછોડો કરતા હોવાની પ્રતીતિ જોવા મળી હતી.

એકને ખોલ અને એકને ગોળ જેવી નીતિ લાગુ કરતી ફાયર ટીમ અમરેલીમાં બે દિવસથી સીલ મારવાની કામગીરી કરે છે, પણ સરકારી કચેરીઓ પ્રત્યે ફાયર વિભાગ કુણું વલણ રાખીને ઢાંક પિછોડો કરતું હોવાની સ્પષ્ટ નીતિ જોવા મળી રહી છે. બીજી બાજુ સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના ગેસના બાટલા પણ એકસપાયરી ડેટના હોવા છતાં ફાયર વિભાગ મહાભારતના ગાંધારી જેમ આંખે પાટા બાંધીને જોયા કરતું હોવાની પ્રતીતિ જણાઈ રહી છે.