પંચમહાલ જિલ્લાના ખેડૂતો સૂર્યોદય યોજનાથી વંચિત, ખેડૂતોને થઈ રહ્યા છે હેરાન
દશરથસિંહ પરમાર,પંચમહાલ: ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે સરકારે સૂર્યોદય યોજનાની જાહેરાત કરી હતી. પરંતુ પંચમહાલ જિલ્લાના ખેડૂતોને આજે પણ આ યોજનાના લાભ મેળવવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સૂર્યોદય યોજના હેઠળ સવારના 8:00 થી સાંજના 4.00 વાગ્યા સુધી એગ્રીકલ્ચર લાઇનમાં 8 કલાક વીજળી આપવાની વાત પંચમહાલના કાલોલ તાલુકામાં દિવાસ્વપ્ન સમાન સાબિત થઈ રહી છે.
અનિયમિત વીજળી
પંચમહાલના કાલોલ તાલુકાના રાબોડ, ઉતરેડીયા, મલાવ દેવપુરા સહિતના અનેક ગામોમાં સૂર્યોદય યોજના હેઠળ સવારના 8.00 થી સાંજના 4.00 વાગ્યા સુધી એટલે કે આઠ કલાક ખેતી માટે વીજળી આપવાની વાત પોકળ સાબિત થઈ રહી છે. કારણ કે આ વિસ્તારના ખેડૂતો ને છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી આઠ કલાકની જગ્યાએ માત્ર એક થી દોઢ કલાક જ વીજ પુરવઠો મળે છે અને તે પણ ખૂબ જ અનિયમિત પણે મળે છે.
ખેડૂતો હવે દુવિધામાં મુકાયા
જેથી ખેડૂતોને વીજળી માટે દિવસ ભર બેસી રહેવાનો વારો આવે છે. એમ.જી.વી.સી.એલ કાલોલના પાપે આ વિસ્તારના ખેડૂતોની 500 થી 800 વીઘા ખેતીની જમીનના પાકો સુકાઈ રહ્યા છે કે નષ્ટ થઈ રહ્યા છે. એમજીવીસીએલના અધિકારી અને કર્મચારીઓને અનેક વખત રજૂઆતો કરી છે. પરંતુ સમસ્યાનું આજ દિન સુધી નિરાકરણ આવ્યું નથી. એટલું તો ઠીક પરંતુ એમજીવીસીએલના અધિકારીઓ આ વિસ્તારના ખેડૂતોનો ફોન પણ રિસીવ ન કરતા ખેડૂતો હવે દુવિધામાં મુકાયા છે.
આ પણ વાંચો: અમદાવાદમાં કમ્પાઉન્ડરે 18 વર્ષના યુવકને નશાનું ઇન્જેક્શન આપ્યું, ઓવરડોઝ લેતા થયું મોત
નુકસાન જવાની ભીતિ સિવાય
આ વિસ્તારની અંદાજિત 800 થી વધારે વીઘા જમીનમાં કેળ, શાકભાજી, દિવેલા, ઘાસચારો, ઘઉં મકાઈ, કપાસ સહિતના પાકો પાણી વિના સુકાવાના આરે આવી ગયા છે. ખેડૂતો ખેતરમાં પાણી મૂકવા માટે મજૂરો રોકે છે. પરંતુ વીજળી અનિયમિત અને અપૂરતી મળતા મજૂરીનો ખર્ચ પણ માથે પડતો હોય છે. અધૂરામાં પૂરું અહીં વીજ લાઇન પર ઝાડી ઝાંખરા પણ ઊગી નીકળતા અહીં વારંવાર વીજળી પણ ડુલ થઈ જાય છે. આ વિસ્તારમાં છેલ્લા એક મહિના ઉપરાંતના સમયથી વીજ ધાંધિયાના કારણે ખેતી પાકોને મોટા પાયે નુકસાન જવાની ભીતિ સિવાય રહી છે. ત્યારે આક્રોશી ભરાયેલા ખેડૂતો સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવી એમજીવીસીએલના અધિકારીઓ સામે કાયદેસરથી કાર્યવાહી કરવાની સાથે સાથે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ઉચ્ચારી રહ્યા છે.