News 360
Breaking News

ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન, 10 કિલો કેસર કેરીનો ભાવ 2500થી 3100 સુધી બોલાયો

ઋષિ દવે, રાજકોટ: ગોંડલ માર્કેટયાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે. ઉનાળાના પ્રારંભ સાથે જ ફળ અને શાકભાજી માર્કેટયાર્ડમાં કેસર કેરી અને રત્નાગીરીની હાફુસ કેરીનું આગમન થયું છે. યાર્ડમાં પ્રથમ દિવસે જ કેસર કેરીના 22 બોક્સની આવક સાથે કેરીની સિઝનનો પ્રારંભ થયો છે. યાર્ડમાં ગીર ગઢડાના નિતલી, ગીર કોઠારીયા અને સાવરકુંડલાના વિજપડી ગામેથી ખેડૂતો કેસર કેરીના વેચાણ માટે આવ્યા છે.

કેસર કેરીની હરાજીમાં કેરીના 10 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 2500થી લઈને ઉંચામાં 3100 સુધીના બોલાયા હતા. બે-ત્રણ દિવસથી યાર્ડમાં રત્નાગિરીની હાફુસ કેરીની આવક સાથે હરાજીમાં રત્નાગિરી કેરીના 12 કિલોના બોક્સનો ભાવ રૂપિયા 5500 બોલાયો છે. આ વર્ષે માર્કેટયાર્ડમાં કેસર કેરીનું 15 દિવસ વહેલું આગમન જોવા મળ્યું છે. સૌરાષ્ટ્રમાં કેરીનું પીઠુ ગણાતા માર્કેટયાર્ડમાં આગામી સપ્તાહથી જ કેરીની આવકમાં વધારો જોવા મળશે.