અયોગ્ય વહીવટને લીધે જર્જરિત શાળામાં ભણવા મજબૂર ગોધરાની પ્રાથમિક શાળાના બાળકો

દશરથસિંહ પરમાર, પંચમહાલ: ગુજરાત સરકાર દ્વારા સર્વ શિક્ષા અંતર્ગત સૌ ભણે સૌ આગળ વધેના સ્લોગન સાથે ગામે ગામ શાળાઓ ઊભી કરવામાં આવી છે. જોકે, ઘણા ગામો તો એવા છે કે જ્યાં વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે પરંતુ બાળકો શાંતિથી ભણી શકે તેવી સુરક્ષિત શાળાઓ નથી. આવી જ સ્થિતિ પંચમહાલ જિલ્લાની એક શાળાની છે કે જ્યાં બાળકો તો છે અને તેમણે ભણાવવા માટે પૂરતા શિક્ષકો પણ છે. પરંતુ, બાળકોને અભ્યાસ કરવા માટે બેસવા માટે એક યોગ્ય છત કે ઓરડા નથી અને જે શાળા છે તે પણ જર્જરિત છે.
ગોધરા તાલુકાની વાવડી પ્રાથમિક શાળા કે જ્યાં ધોરણ 1 થી 8ના 250 થી પણ વધુ બાળકો અભ્યાસ અર્થે આવે છે. શાળામાં હાલ 8 જેટલા ઓરડા છે. જેમાંથી 4 જેટલા ઓરડાનું ડિસમેન્ટલ આજથી 2 વર્ષ અગાઉથી મંજૂર કરવામાં આવ્યુંછે. જેને લઈને શાળાના આચાર્ય દ્વારા જ માહિતી આપવામાં આવી હતી. શાળાના ઓરડા મંજૂર થઈ ગયેલ હોવા છતાં હજુ સુધી તેનો કોન્ટ્રાક્ટ જેને સોંપવાનો હોય તે કામગીરી હજુ સુધી સોંપાઈ નથી જેને લઈને નાના ભૂલકાઓને ક્યાંકને ક્યાંક હેરાન થવાનો વારો આવ્યો છે.
હાલ તો, શાળાના આચાર્ય સહિત સમસ્ત વાલીઓ દ્વારા એક જ માંગ થઈ રહેલ છે કે ગણતરીના દિવસોમાં ચોમાસામાં દરમીયાન ક્યાંક ને ક્યાંક જર્જરિત ઓરડાના કારણે બાળકોને દુર્ઘટનાઓ ભોગ ન બનવું પડે તેની ભીતિ વર્તાઈ રહી છે. તેમજ બાજુમાં આવેલ રોડ સહિત આજુબાજુનો વિસ્તારનો ભાગ શાળા કરતાં ઉંચો હોવાથી વધુ વરસાદના સમયમાં રોડ ઉપરનું પાણી પણ આ શાળાના મેદાન તેમજ ઓરડા સુધી પહોંચી જતું હોય છે. જેના કારણે વિદ્યાર્થીઓના ભણતર ઉપર ભારે અસર પડતી હોય છે. ત્યારે, હાલ શાળાના શિક્ષકો અને વાલીઓની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે આ ઓરડાનું ડિસમેન્ટલ કામ શરુ થાય અને કોઇ સુરક્ષિત જગ્યાએ બાળકોને અભ્યાસ માટે વ્યવસ્થા કરવામાં આવે જેથી વિદ્યાર્થીઓના ભણતરને નુકસાન ન થાય.