December 26, 2024

ગોવાના કૈલંગુટ બીચ પાસે પ્રવાસીઓથી ભરેલી નાવ પલટી, એકનું મોત; 20નો બચાવ

Goa Boat Capsized

Goa Boat Capsizes: ઉત્તર ગોવાના કૈલંગુટ બીચ નજીક અરબી સમુદ્રમાં પ્રવાસીઓને લઈ જતી બોટ પલટી જતાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે 20 અન્ય મુસાફરોને બચાવી લેવાયા છે. ગોવા પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના બપોરે 1.30 વાગ્યાની આસપાસ બની હતી, જેમાં 54 વર્ષીય વ્યક્તિનું મોત થયું હતું.

‘બે સિવાય બધાએ લાઈફ જેકેટ પહેર્યું હતું’
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું કે, ‘આ દુર્ઘટના મુસાફરી વખતે થઈ હતી. હાલમાં બચાવી લેવામાં આવેલા તમામ લોકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બે મુસાફરો સિવાય બાકીના બધાએ લાઈફ જેકેટ પહેર્યા હતા. બોટમાં સવાર મુસાફરોમાં છ વર્ષની વયના બાળકો અને મહિલાઓ પણ સામેલ હતી.’

બોટ બીચથી લગભગ 60 મીટર દૂર પલટી ગઈ
રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત લાઈફ સેવિંગ એજન્સી દ્રષ્ટિ મરીનના પ્રવક્તાએ જણાવ્યું કે, બોટ બીચથી લગભગ 60 મીટર દૂર પલટી ગઈ હતી. તેના કારણે તમામ મુસાફરો દરિયામાં પડી ગયા હતા. મહારાષ્ટ્રના ખેડના 13 સભ્યોનો પરિવાર બોટમાં સવાર હતો. બોટ પલટતી જોઈને દૃષ્ટિ મરીનનો એક કર્મચારી મદદ કરવા દોડ્યો અને બેકઅપ માટે બોલાવ્યો હતો. આ રેસ્ક્યૂ ઓપરેશનમાં કુલ 18 લોકો મુસાફરોની મદદ માટે દોડી આવ્યા હતા અને તેમને સલામત રીતે કિનારે લાવ્યા હતા.

પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઘાયલ મુસાફરોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જ્યારે ગંભીર જણાતા લોકોને એમ્બ્યુલન્સમાં તબીબી સુવિધાઓમાં લઈ જવામાં આવ્યા હતા. બોટમાં સવાર 20 મુસાફરોમાંથી બે, જેમણે લાઇફ જેકેટ પહેર્યા ન હતા, જેમાં છ અને સાત વર્ષના બે બાળકો અને 25 અને 55 વર્ષની બે મહિલાઓનો સમાવેશ થાય છે, તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.