December 23, 2024

ગિરનાર લીલી પરીક્રમાનો આજથી પ્રારંભ, એક દિવસ અગાઉ જ ગિરનાર પરીક્રમા માટે ખોલવામાં આવ્યા દરવાજા

Junagadh: આદી અનાદિ કાળથી થતી પાવનકારી ગિરનારની લીલી પરિક્રમાનો આજે વિધિવત રીતે પ્રારંભ થયો છે. સામાન્ય રીતે કારતક મહિનાની અગિયારસની મધ્યરાત્રિએ ગિરનારની પરિક્રમા શરૂ થતી હોય છે. પરંતુ ખૂબ મોટી સંખ્યામાં ભાવિકોની ભીડને ધ્યાનમાં રાખીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક દિવસ અગાઉ જ ગિરનાર પરીક્રમા માટે દરવાજા ખોલવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર લીલી પરિક્રમાંને લઈને અંદાજે 25 હજાર જેટલી ભાવિકોની ભીડ એકત્ર થઈ હતી. જે બાદ વ્યવસ્થાના ભાગરૂપે એક દિવસ અગાઉ પરીક્રમાના દરવાજા ખોલવામાં આવ્યા છે. જય ગિરનારીના નાદ સાથે મોટી સંખ્યામાં ભાવિકોએ ગિરનાર પરીક્રમા માટે પ્રયાણ કર્યું છે. નોંધનીય છે કે ગિરનાર પર્વત પર પ્લાસ્ટિક પર પ્રતિબંધ હોવાથી વન વિભાગ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ, બોટલો પરીક્રમામાં જતી અટકાવવા ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: અમદાવાદમાં ઠંડીનું વધશે જોર, રાજ્યના ચાર શહેરોમાં ઠંડીનો ચમકારો

જય ગિરનારીના નાદ સાથે પરિક્રમા વિધિવત રીતે શરૂ થયેલી જોવા મળી હતી. લીલી પરિક્રમાને લઈને પરિક્રમાર્થીઓ ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દર વર્ષે લાખોની સંખ્યામાં લોકો ગિરનારની લીલી પરિક્રમાનો લાહ્વો મેળવીને ગિરનારની સાથે ગુરુદત્ત મહારાજની કૃપા પ્રાપ્ત કરતા હોય છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલ 12મી નવેમ્બરથી 15મી નવેમ્બર સુધી યોજનારી લીલી પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરમાંથી લાખો યાત્રિકો ઉમટતા હોવાથી એસ.ટી.એ વધારાના સેંકડો રૂટો દોડાવવાનો નિર્ણય લીધો છે અને રેલવે તંત્ર પણ સ્પેશિયલ ટ્રેનો મુકવામાં આવી છે.