December 25, 2024

ગીરના જંગલમાં આવેલું ‘દ્રોણેશ્વર મહાદેવ’, ગુરુ દ્રોણે અભિષેક કરવા ગંગાજી પ્રગટ કર્યા

વિવેક ચુડાસમા, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાનો સત્યાવીસમો દિવસ છે. ત્યારે આપણી શિવાલયયાત્રા હવે અંતિમ પડાવમાં પહોંચી ગઈ છે. આજે આપણે પહોંચ્યા છીએ ગીર-સોમનાથ જિલ્લામાં. અહીં ગઢડા તાલુકાના દ્રોણ ગામે આવેલું છે અતિપૌરાણિક ‘દ્રોણેશ્વર મહાદેવ’નું શિવાલય. આવો જાણીએ ઇતિહાસ સહિત તમામ માહિતી…

શું છે પૌરાણિક કથા?
એક દંતકથા પ્રમાણે, વર્ષો પહેલા પાંડવોની શોધખોળ કરતા દ્રોણાચાર્ય મચ્છુન્દ્રી નદી કાંઠે આવ્યા હતા. અહીં તેમણે ભગવાન ભોલેનાથની ઉપાસના કરવા માટે શિવલિંગની સ્થાપના કરી હતી. એટલું જ નહીં, નિત્યનિયમ મુજબ શિવલિંગ પર જળાભિષેક કરવા માટે પોતાની યોગ શક્તિથી શીલામાં તીર મારી ગંગાજી પ્રગટ કર્યા હતાં. આજે પણ અહીં ગંગાજી સહિત શિવલિંગ હયાત છે. અહીં શિવલિંગ પર અવિરત જળધારા વહેતી રહે છે. આજ દિવસ સુધી આ પાણી ક્યાંથી આવે છે તે કોઈ જાણી શક્યું નથી.

આ જગ્યા ગીરના જંગલમાં આવેલી છે. અહીં પાસે જ દ્રોણેશ્વર ડેમ પણ આવેલો છે. અહીં સ્થાનિકો સહિત મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ઉમટે છે અને ન્હાવાની મજા માણે છે. આ ઉપરાંત શ્રાવણ મહિનામાં આ જગ્યા પર ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. મહાભારતકાલીન શિવાલય હોવાથી લોકોની આ મહાદેવ પ્રત્યે અપાર શ્રદ્ધા છે.

કેવી રીતે પહોંચવું?
દ્રોણેશ્વર જવા માટે ગઢડા જવું પડે છે અને ત્યાંથી આ જગ્યા 6 કિલોમીટર દૂર જંગલમાં આવેલી છે. અહીં પહોંચવા માટે ગુજરાતના દરેક શહેરથી ખાનગી બસ કે સરકારી બસની સુવિધા ઉપલબ્ધ છે. તો રેલ માર્ગે પણ ગુજરાતના દરેક મોટા શહેરથી ગઢડા જઈ શકાય છે. ગઢડાથી દ્રોણેશ્વર મહાદેવના મંદિરે જવા રિક્ષા-ટેક્સી મળી રહે છે.