ઉનાનાં સનખડા ગામે આરોગ્ય કેન્દ્રનાં તબીબ રજા પર ઉતર્યા, 13 ગામનાં દર્દીઓ હેરાન
ધર્મેશ જેઠવા, ગીર-સોમનાથઃ ઉના તાલુકાના સનખડા ગામ અને આસપાસના આશરે 13 જેટલાં અન્ય ગામોના લોકોને આરોગ્ય સેવામાં હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આરોગ્ય કેન્દ્રના મહિલા તબીબ લાંબી રજા પર ચાલ્યા ગયા છે. ત્યારે ગામલોકોને ભોગવવાનો વારો આવ્યો છે.
મુખ્ય તબીબના અભાવે ઈમરજન્સી સેવાઓ અને સગર્ભા સ્ત્રીઓને અનેક મુશ્કેલીઓ પડી રહી છે. મુખ્ય ડોકટર રજા પર જતા તેમની જગ્યાએ જિલ્લાકક્ષાએથી કોઈ તબીબ ન મૂકાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સગવડતાભર્યું છે. કોરોના કાળમાં આવેલા સાધનો અને બેડ ધૂળ ખાય રહ્યા છે. ફોગ મશીન છે તો તેનો કોઈ ઉપયોગ કરવામાં નથી આવ્યો. આરોગ્ય કેન્દ્રમાં બે એમ્બ્યુલન્સ પણ ફાળવવામાં આવી છે પણ હાલ આ એમ્બ્યુલન્સ ધૂળ ખાય રહી છે.
ઊનાનાં સનખડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તબીબ વર્ગ-2ની કાયમી નિમણુંક કરવામાં આવી છે. મહિલા તબીબ મિતલબેન ખાંભલા 3 નવેમ્બર, 2023થી 20 જાન્યુઆરી, 2024 સુધી રજા અને ત્યારબાદ 180 દિવસ મેટરનીટી લીવ પર જતાં આ કેન્દ્રમાં અન્ય કોઈ તબીબની વૈકલ્પિક વ્યવસ્થા જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા કરવામાં નથી આવી. આખરે સનખડા આરોગ્ય કેન્દ્ર ડોક્ટરવિહોણું બન્યું છે.
હાલમાં ચોમાસુ શરૂ હોવાથી પાણીજન્ય રોગચાળા તેમજ ચાંદીપુરા વાયરસનું જોખમ હોય છે. ત્યારે લોકો મુખ્ય તબીબ ન હોવાના લીધે હેરાન થાય છે. સનખડા કેન્દ્ર માત્ર અન્ય સ્ટાફના ભરોસે ચાલતા ગંભીર બીમારીના સમયે લોકોને સારવાર લેવા 15 કિમી દૂર ઉના સુધીના ધક્કા ખાવાનો વારો આવે છે. આ આરોગ્ય કેન્દ્ર પર માલણ નદી આસપાસ વસતા ખેડૂતો, ગાંગડા માણેકપુર પુર, ખત્રીવાડા, સોંદરડી, સોંદરવા સહીતના 15 ગામોને નજીક પડે છે. તેથી અહીં સારવાર અર્થે આવતા દર્દીઓને મુખ્ય ડોક્ટર ન હોવાના લીધે ખાનગી ડોક્ટર પાસે કે ઉના સુધી હેરાન થવું પડે છે. આમ અહીં આરોગ્ય કેન્દ્ર ઉપર આવતા દર્દીઓને સારવાર વગર પરત ફરવું પડે છે અને ઉનાના ખાનગી દવાખાનામાં સારવાર લેવાની ફરજ પડી છે. તેનાથી ગરીબ પરિવારોને આર્થિક રીતે મોટી મુશ્કેલી પડે છે.
આ બાબતે ગીર સોમનાથ જિલ્લા પ્રાથમિક આરોગ્ય અધિકારી અને તાલુકા પ્રાથમિક આરોગ્ય અધિકારીએ તાત્કાલિક સનખડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરીને ડોક્ટરની નિમણૂક કરવા સમગ્ર ગ્રામજનો દ્વારા માગ કરી છે.