January 16, 2025

તાલાલા-ગીરના બગીચામાં ભરશિયાળે કેરી આવતા અચરજ

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ સામાન્ય રીતે કેરીનો પાક ઉનાળાની સિઝનમાં થતો હોય છે. પરંતુ તાલાલા ગીરના એક કેરીના બગીચામાં ભરશિયાળે કેરી ઉગતા અચરજ ફેલાયું છે. ઉલ્લેખનીય છે કે, કેરીનો સિઝન એપ્રિલ મહિનાથી શરૂ થતી હોય છે, પરંતુ અહીં કમોસમી રીતે કેરી પાકી રહી છે.

ખેડૂતનું કહેવું છે કે, બિનમોસમ કેરી આંબા પર આવી છે અને અમે ચાર-પાંચ બોક્સ કેરી લણી પણ લીધી છે. સ્વાદમાં પણ બેસ્ટ છે. કેરીની સિઝનમાં સ્વાદ હોય છે તેવો જ સ્વાદ મળી રહ્યો છે. નવાઈ એ વાતની છે કે, કેરીની સિઝનને હજુ પાંચ મહિનાની વાર છે, પરંતુ અહીં અનેક આંબા પર કેરી આવી છે, જેની પાછળ ગ્લોબલ વોર્મિંગ જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે.

ઉલેખનીય છે કે, એક સમયે તાલાલાને કેસર કેરીનો ગઢ મનાતો હતો. અચાનક તાલાલામાં હવામાન કેરીને માફક ન આવતું હોય તેમ કેરીનો પાક ઘટવા લાગ્યો હતો અને ખેડૂતો આંબા કાપવા લાગ્યા હતા. કહેવાય છે કે, વાતાવરણ કેરી માટે માફક નહીં આવતું હોય, જો કે હાલ બિનમોસમ આંબા પર કેરી ઝૂલતા સૌ કોઈ અચરજમાં મુકાયા છે. પરંતુ હાલ તો ખેડૂત શિયાળામાં પણ તાજી કેરીનો સ્વાદ માણી રહ્યો છે.