January 22, 2025

ગીર પંથકના 15 ગામ આરોગ્ય ક્ષેત્રે નિરાધાર, વર્ષોથી ભટકે છે ગામવાસીઓ

ગીર સોમનાથઃ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ગુજરાતભરમાં આરોગ્ય સેવા ક્ષેત્રે હરણફાળ ભરી છે, એ વાત સ્વીકારવી જ રહી. પરંતુ ગીર સોમનાથના તાલાળા ગીર પંથકના 15 જેટલા ગામો આજે પણ આરોગ્ય ક્ષેત્રે નિરાધાર છે. કદાચ આ વાત માનવામાં ન આવે પણ આ હકીકત છે. 15 જેટલા ગામોના લોકો બીમારી અને ગંભીર સંજોગોમાં આસપાસમાં 20થી 25 કિલોમીટર દૂર તબીબી સારવાર માટે વર્ષોથી ભટકી રહ્યા છે. નેતાઓ ચૂંટણી સમયે મત માગવા જરૂર આવે છે. પરંતુ અહીં આરોગ્ય સેવા આપવામાં ઉણા ઉતર્યા હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.

ગીર પંથકના 15 ગામો આજના આધુનિક યુગમાં પણ આરોગ્યની સેવાઓ ધરાવતા નથી. મહિલાઓને પ્રસુતા સમયે ગંભીર અકસ્માત સમયે અને વન્ય પ્રાણીના હુમલાઓ અને બીમારી બાબતે 15 ગામના લોકો નજીકના તાલાલા પ્રાચી અથવા વેરાવળ પહોંચી સારવાર મેળવી રહ્યા છે. આ ગામોની વાત કરીએ તો જેમાં રાયડી, પીખોર, શેમળિયા, વિઠ્ઠલપુર, જાવંત્રી, રામપરા, વડાળા સહિત 15 ગામોમાં આજે પણ આરોગ્ય કેન્દ્ર નથી. તબીબી પ્રાથમિક સુવિધા મેળવવા માટે પણ આ 15 ગામના લોકોએ તાલાળા, પ્રાચી અથવા વેરાવળ સુધી પહોંચવું પડે છે. ત્યારે આ બાબતે ગામના આગેવાનો 15 ગામના સેન્ટર પોઇન્ટ પર એક સુવિધા યુક્ત આરોગ્ય કેન્દ્ર કાર્યરત થાય તેવી માગ કરી રહ્યા છે.

તો સ્થાનિક ભાજપના આગેવાન કહી રહ્યા છે કે, પિખોર ગામે એક આરોગ્ય કેન્દ્ર મંજૂર થયું છે. કારણ કે પીખોર ગામ આ 15 ગામોની સેન્ટરમાં આવે છે. ત્યારે આરોગ્ય કેન્દ્ર પાસ થયું એ ખુશીની વાત છે. પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કે, હજુ આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત પણ નથી કરાયું. તો એ તબીબી સેવા ક્યારે શરૂ થશે? અને ક્યારે લોકો એનો લાભ લેશે? એ ભગવાન ભરોસે લોકો સ્વયં આશ્વાસન મેળવી રહ્યા છે.

સ્થાનિક આગેવાનોનો એવો પણ આક્ષેપ છે કે, મહિલાઓની ડિલિવરી હોય, કોઈ સર્પદંશના બનાવો હોય, કોઈ અકસ્માત હોય ત્યારે અમે 108ને ફોન કરી બોલાવીએ છીએ. પરંતુ તાલુકા કક્ષાએ એક 108 હોય એટલે એ સમય અનુસાર પહોંચે છે. પરંતુ કોઈક જ એવા ભાગ્યશાળી હોય કે 108 પહોંચે ત્યાં સુધી જીવિત રહે. પરંતુ ગંભીર ઘટનાઓમાં સ્થાનિક લેવલે તબીબી સુવિધાના અભાવે માનવ મૃત્યુનો પણ સતત ભય સતાવી રહ્યો છે.

ગીર પંથક હોય સિંહ દીપડાઓનો સતત ભય રહેતો હોય ત્યારે વન્ય પ્રાણીના હુમલાઓમાં વ્યક્તિ ગંભીર હાલતમાં હોય ત્યારે તેને પ્રાથમિક સારવાર પણ અહીં કરી શકાતી નથી. ગંભીર ઘટનામાં 108 પહોંચે ત્યાં તો એ વ્યક્તિ મૃત્યુ પામી જાય છે. જેથી સત્વરે આ ગીર પંથકના 15 ગામડાઓને તબીબી સુવિધાઓ મળી શકે તેવી સરકાર પાસે સ્થાનિકો માગ કરી રહ્યા છે.