શું આ રીતે ભણશે ગુજરાત? સૂત્રાપાડાના ટીંબડી ગામે આંગણવાડી-પ્રાથમિક શાળા જર્જરિત રૂમમાં

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના ટીંબડી ગામે આકરા તાપમાં પણ બાળકો ખાડા ટેકરા અને ખુલ્લામાં અભ્યાસ અને ભોજન કરી રહ્યા છે. ખાતમુહૂર્ત અધિકારીઓ દ્વારા કરાયા બાદ જાણે કામ ભુલાઈ જ ગયું હોય તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.
સુત્રાપાડાના ટીંબડી ગામે પ્રાથમિક શાળા અને આંગણવાડી એક જ પરિસરમાં આવેલા છે. જેમાં માત્ર જર્જરિત હાલતનાં બે રૂમ છે. ત્યારે શિક્ષકો જોખમ સાથે બાળકોને શિક્ષણ આપી રહ્યા છે. ત્રણ માસ પૂર્વે ટીંબડી ગામે શાળામાં નવો શેડ મંજૂર કરાયો હતો અને જેનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું. પરંતુ ત્યારબાદ કોન્ટ્રાક્ટર કામ અધૂર છોડીને કોઈ કારણોસર જતા રહ્યા છે. ત્યારે હાલ શાળાના પરિસરમાં મોટા અને ઊંડા ખાડાઓ સમસ્યાનું કારણ બન્યા છે.
આ સાથે બાળકોને જમવામાં પણ અગવડતા ઊભી થઈ છે. બાળકોએ જે ક્લાસમાં અભ્યાસ કરે છે, ત્યાં જ ભોજન પણ લેવું પડે છે. અથવા તડકામાં નજીકના ઝાડનો છાંયો શોધવો પડે છે. ત્યારે સ્થાનિકો ઈચ્છી રહ્યા છે કે, શાળાની મરામત કરાય અને શેડ તાકીદે બનાવાય તે જરૂરી છે. કોઈ દુર્ઘટના ઘટે ત્યારબાદ તંત્ર સફાળું જાગે તે કરતાં શેડ બનાવાય અને આંગણવાડીની જર્જરીત બિલ્ડિંગની મરામત કરાવાઈ તેવું ગામ લોકો ઈચ્છી રહ્યા છે.
ટીંબડી ગામે એક જ પરિસરમાં પ્રાથમિક શાળા અને બાલમંદિર આંગણવાડી આવેલા છે. ત્યારે આંગણવાડીમાં નાના બાળકો અને પ્રાથમિક શાળાના ભૂલકાંઓ ભારે સમસ્યાનો આકરા ઉનાળામાં સામનો કરી રહ્યા છે. ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે, ટીંબડી ગામે અધિકારીઓ જેમાં કલેક્ટર સહિતના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને આગેવાનો આવ્યા હતા. ત્રણ માસ અગાઉ ખાતમુહૂર્તનો ખાડો કરી અને જતા રહ્યા હતા. પરંતુ ત્યારબાદ પણ કામ શરૂ થયું નથી, જેને કારણે નાના ભૂલકાંઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
ટીંબડી ગામના લોકોનો આક્ષેપ છે કે, મધ્યાહન ભોજન અને રમતગમત સમયે બાળકો નજીકના છાયામાં અથવા ઝાડ નીચે ભોજન કરે છે. મધ્યાન ભોજનનો શેડ બનાવ્યો નથી, ત્યારે ખાતમૂહૂર્ત કરાયા બાદ તંત્ર દ્વારા કોઈ કામગીરી હાથ ધરાઈ નથી. આકરો ઉનાળો ચાલે છે, ત્યારબાદ ચોમાસુ આવશે, બાળકોનો અભ્યાસ સહિત સમસ્યાઓ તંત્રની અણ આવડતને કારણે ભૂલકાઓએ સજા ભોગવવી પડશે. જેથી ગામ લોકોની માગ છે કે, ટીંબડી ગામે સત્વરે શાળા પરિસરમાં શેડ રિનોવેશન સહિતની સુવિધાઓ તાકીદે બનાવવામાં આવે, જેથી નાના ભૂલકાંઓની ચિંતા મા-બાપને ન રહે.