December 25, 2024

પ્રાચી તીર્થમાં માધવરાયજી થયા જળમગ્ન, હવે નવરાત્રિએ દર્શન આપશે

ગીર સોમનાથ: જગવિખ્યાત પ્રાચી તીર્થમાં આવેલું ભગવાન માધવરાયજી જળમગ્ન થયા છે. સરસ્વતી નદીમાં પૂર આવતા ભગવાન ત્રણ ફૂટ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ગીરમાં 8 ઇંચ વરસાદ ખાબકતા સરસ્વતી નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે.

ગીર સોમનાથમાં આવેલા જંગલ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો છે. ગીર જંગલના ઉપરવાસમાં 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે સરસ્વતી નદીમાં નવા નીરની આવક થઈ હતી. નદી કિનારે આવેલું ભગવાન માધવરાયજીનું પૌરાણિક મંદિર જળમગ્ન થઈ ગયું છે. મંદિર જળમગ્ન થતા હવે ચાર મહિના ભગવાન પાણીમાં જ રહેશે. હવે નવરાત્રિ આસપાસ પાણી ઓસરતા ભગવાન માધવરાયજી ફરીથી ભક્તોને દર્શન આપશે.

આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 208 તાલુકામાં વરસાદ, જૂનાગઢના વંથલીમાં આભ ફાટ્યું

જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 208 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. તો જૂનાગઢના વિસાવદરમાં 13 ઇંચ વરસાદ વરસ્યો છે. જૂનાગઢ શહેરમાં 11 ઇંચ, કેશોદમાં 10 ઇંચ વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા 9 ઇંચ, જૂનાગઢના માણાવદરમાં 8.5 ઇંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાપુરમાં 8 ઇંચ, જૂનાગઢના મેંદરડામાં 7 ઇંચ, સુરતના બારડોલીમાં 7 ઇંચ, નવસારી શહેર અને જલાલપોરમાં 7 ઇંચ, રાજકોટના ધોરાજીમાં 6.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જૂનાગઢના માળિયા હાટિનામાં 6.5 ઇંચ, સુરતના પલસાણામાં 6 ઇંચ વરસાદ, જૂનાગઢના ભેંસાણમાં 6 ઇંચ, સુરતના મહુવામાં 6 ઇંચ, મોરબી શહેરમાં 5.5 ઇંચ, અમરેલીના રાજુલામાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે.