December 27, 2024

ગીર-સોમનાથમાં મેગા ડિમોલિશન બાદ 100 એકર જમીન પર તારથી ફેન્સિંગ

સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લામાં પ્રભાસ પાટણ અને સોમનાથમાં બે દિવસ પહેલાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ તંત્રએ ડિમોલિશનની કામગીરી બાદ તાર ફેન્સિંગ કરી દીધું છે.

સોમનાથ મહાદેવના મંદિર અને સર્કિટ હાઉસની પાછળ 2 દિવસથી મેગા ડિમોલિશન હાથ ધર્યું હતું. ત્યારે ડિમોલિશન બાદ તંત્ર દ્વારા જમીન પર તાર ફેન્સિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તંત્ર દ્વારા 50 JCB દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. આશરે 320 કરોડની લગભગ 100 એકર જમીનમાં ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે.

બીજા દિવસે ડિમોલિશનની કામગીરીને પગલે સોમનાથથી ભીડિયા તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છએ. જમીન સમતળ કરવા માટે અને કાટમાળ ખસેડવા માટેની કામગીરીને પગલે રસ્તો બંધ રાખવાનો નિર્ણય લીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મહત્વનું છે કે, આજે સાંજ સુધી આ કાર્યવાહી ચાલી શકે છે.

પહેલા દિવસે 320 કરોડની જમીન પરથી દબાણ દૂર
સોમનાથમાં અત્યાર સુધીની સૌથી મોટું ડિમોલિશન કરવામાં આવ્યું છે. ત્યારે 9 ધાર્મિક દબાણ એકસાથે તોડી પાડવામાં આવ્યા છે. અન્ય ત્રણ ધાર્મિક સ્થળો, 45 નાના-મોટા પાક્કા મકાનો પણ તોડી પાડવામાં આવ્યા છે. કુલ 320 કરોડની 102 એકર જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ સ્થળે ભારતીય ન્યાય સંહિતા મુજબ કલમ 223 લાગુ કરી ચાર વ્યક્તિઓનાં એકઠાં થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ડિમોલિશન વહીવટી રેવન્યૂ, વીજ, પીડબ્લ્યુડી સહિતના સંબંધિત વિભાગોના અધિકારીઓ અને સ્ટાફને પણ સ્થળ ઉપર તહેનાત કરવામાં આવ્યા છે.