કોડીનારમાં દબાણ હટાવતા સમયે પોલીસની હાજરીમાં મારામારી, 200નાં ટોળા સામે ફરિયાદ
ધર્મેશ જેઠવા, ગીર સોમનાથઃ જિલ્લાના કોડીનારમાં દબાણ હટાવતા સમયે વાતાવરણ તંગ બન્યું છે. પોલીસ કાફલો હોવા છતાં પોલીસની હાજરીમાં મારામારીના દ્રશ્યો બન્યા હતા. જો કે, આખરે મામલદારે 8 લોકો સહિત 200 લોકોનાં ટોળા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
છેલ્લા બે દિવસથી ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની સૂચનાથી કોડીનારમાં દબાણો હટાવવાની કામગીરી હાથ કરવામાં આવી છે. જેમાં પ્રથમ દિવસે ગ્રામ્ય પંથકો અને શહેરમાં કેટલીક દુકાનોના છાપરા અને ઓટલાઓ કાઢવામાં આવ્યા હતા. તો બીજા દિવસે વહેલી સવારથી જ પૂર્વ સાંસદ દિનુભાઈ સોલંકી અને ભાજપ કાર્યાલયની આગળના ભાગે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી. તે દરમિયાન કેટલાક લોકો ટોળા આ નજારો જોવા માટે એકઠા થયા હતા. જો કે, તે દરમિયાન કોઈ કારણોસર ટોળું વિખેરાયું હતું અને મામલો બિચક્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાની મોટાભાગની પોલીસનો કાફલો કોડીનારમાં તૈનાત હોવા છતાં પણ કેટલાક લોકો દ્વારા પાણી દરવાજામાં મારામારી કરતા હોવાના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જેમાં શહેર ભાજપ પ્રમુખની દુકાને કેટલાક લોકો મારમારી કરતા હોવાનું પણ દેખાય આવે છે. જો કે, સમગ્ર ઘટના મામલે કોડીનાર મામલતદારે પોલીસમાં ફરિયાદ નોંધાવતા આખરે આઠ શખ્સો સહિત 200 લોકોના ટોળા સામે એફઆઇઆર નોંધાવૂ છે.
તેમાં કોડીનાર કોંગ્રેસ પ્રમુખ મહેશ મકવાણા, હરેશ દમણિયા, કોડીનાર કોળી સેના પ્રમુખ રમેશ ચુડાસમા, મહેશ કામલીયા , રફીક સેલોત, મહેબૂબ તલવાર અને મુનાફ બકાલી સહિત 200 લોકોનાં ટોળા સામે કોડીનાર મામલતદાર દ્વારા લેખીત ફરીયાદ આપતા પોલીસે ભારતીય ન્યાય સંહિત -2023ની ક્લમ-૨૨૧, ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૨૬(૨) મુજબનો ગુનો નોંધી તમામ 8 આરોપીઓ ની ધરપકડ કરી છે. જ્યારે જે ગુનાની આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ.ચાવડા ચલાવી રહ્યા છે.