કોડીનારમાં છારાના દરિયાકિનારેથી મળ્યું કરોડોનું ડ્રગ્સ, 10 પેકેટ્સ જપ્ત
અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ અને ચરસનું પ્રવેશદ્વાર બનતું હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા બે મહિનાથી પહેલા કચ્છ અને પછી દ્વારકા ને હવે ગીર સોમનાથમાં સતત ચરસના પેકેટ દરિયાકાંઠેથી બિનવારસુ હાલતમાં મળે છે. ગઈ કાલે રાતે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 10 જેટલા પેકેટ મળી આવતા એસઓજી પોલીસે આ પેકેટ કબજે કરીને સઘન તપાસ હાથ ધરી છે.
ગઈકાલે સાંજના સમયે એક મોટા પેકેટમાં દરિયામાંથી તરતું આ પોટલું કાંઠે ચડી આવ્યું હતું. દરિયાકાંઠે રહેતા માછીમારોના નાના બાળકોના ધ્યાને આવતા તેમણે વાલીઓને વાત કરી હતી. તેમના વાલીઓએ આ સમગ્ર ઘટનાની જાણ એસઓજી ટીમને કરી હતી. ત્યારે બાતમીના આધારે એસઓજી પોલીસ એએસઆઇ ઇબ્રાહિમ બનવા, હેડકોન્સ્ટેબલ ગોપાલસિંહ મોરી અને કોન્સ્ટેબલ મેહુલસિંહ પરમાર ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ હાથ ધરી હતી.
પ્રાથમિક તપાસમાં પેકેટ્સની ચકાસણી કરતા પ્રથમ દૃષ્ટિએ આ શંકાસ્પદ ચરસનો જથ્થો માલૂમ પડતા એસઓજી પીઆઇ ગઢવી અને પીએસઆઇ બાંટવાને જાણ કરતા તેઓ રાતના સમયે છારાના દરિયાકાંઠે દોડી આવ્યા હતા. તેમણે આ શંકાસ્પદ ચરસના જથ્થાનો કબ્જો લઈ જાણવા જોગ ફરિયાદ દાખલ કરી આ તમામ પેકેટ તેની ખરાઈ કરવા માટે એફએસએલને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ એફએસએલના રિપોર્ટ મુજબ આ 12.10 કિલોગ્રામ ચરસ કે જેની આંતરરાષ્ટ્રીય કિંમત 6 કરોડ 50 હજાર એટલે કે એક કિલોના 50 લાખ રૂપિયા અને આ ચરસ અફઘાની ચરસ હોવાનું જણાવ્યું હતું. તેના આધારે એસઓજી પોલીસે આ બિનવારસી મળેલા ચરસના કેસમાં અજાણ્યા ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે મહિના પહેલાં કચ્છ પછી દ્વારકાને હજુ બે દિવસ પહેલાં જ ગીર સોમનાથના દરિયાકાંઠે એક પેકેટ ડ્રગ્સનું મળી આવ્યું હતું. ત્યારબાદ ફરીથી ગઈકાલે કોડીનાર તાલુકાના છારા ગામના દરિયાકાંઠેથી મોટું પોટલું બિનવારસી મળી આવતા તેમાંથી 10 જેટલા પેકેટ ચરસના મળી આવ્યા હતા. ત્યારે આ તમામ જગ્યાએથી મળેલું ચરસ છે. આ તમામ અફઘાની ચરસ છે.
ગીર સોમનાથ જિલ્લા ફરતે વિશાળ દરિયાકાંઠો છે. આ દરિયાકાંઠો દાણચોરોના સ્વર્ગ સમાન રેઢા પડ જેવો છે. આ દરિયાકાંઠા વિસ્તારમાં દીવથી વિદેશી દારૂની હોડીઓ મારફત મોટા પ્રમાણમાં હેરાફેરી થાય છે. તેમાં કેટલોક માલ પકડાય છે, જ્યારે મોટાભાગનો માલ સગેવગે કરવામાં દારૂના ધંધાર્થીઓ સફળ થાય છે. તેમના ઘણા બધા લેન્ડિંગ પોઇન્ટ આવેલા છે. રેઢાપડ સમાન આ દરિયાકાંઠે ઘણીવાર ડ્રગ્સ અને ચરસનો જથ્થો બિનવારસી મળી આવે છે. ત્યારે તંત્ર દ્વારા સઘન રીતે તપાસ હાથ ધરી અને આ દરિયાકાંઠામાં પૂરતા પ્રમાણમાં સિક્યોરિટી ગોઠવાઈ તેવું લોકો ઈચ્છે છે.