December 23, 2024

લો બોલો, વરસાદ વચ્ચે રોડનું સમારકામ! વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

ગીર સોમનાથઃ ઘણીવાર સરકારી બાબુઓ બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે આવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. આ વીડિયો ગીર સોમનાથ જિલ્લાનો હોવાનું સામે આવ્યું છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, તાલાલા-સાસણ રોડ પર ચાલુ વરસાદે ડામર પાથરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેટલું જ નહીં, ચાલુ વરસાદમાં જ ડામર પર રોલર પણ ફેરવવામાં આવ્યું છે.

વરસાદ વચ્ચે રોડના સમારકામની કામગીરી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અનેક સવાલ ઉભા થયા છે. સરકારી અધિકારીઓ વરસાદમાં રોડનું સમારકામ કરી રહ્યા છે. ત્યારે તેમની બુદ્ઘિના પ્રદર્શનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મજાકનું પાત્ર બન્યાં છે. આ ઘટનાનો વીડિયો સામે આવતા તંત્રની પોલ ખૂલી ગઈ છે અને આખરે તેમણે કામ બંધ કર્યું છે.