June 28, 2024

ગીરમાં શ્રીકાર વર્ષા થતા ખેડૂતો ખુશખુશાલ, વાવણીના શ્રીગણેશ કર્યા

અરવિંદ સોઢા, ગીર સોમનાથઃ જિલ્લાના તાલાળા વિસ્તારમાં મેઘરાજા મનમૂકીને વરસતા ખેડૂતોમાં આનંદ છવાયો છે.આજે સવારથી તાલાલા અને ગીર વિસ્તારના ખેડૂતો દ્વારા મગફળી, સોયાબીન સહિતના પાકોની વાવણીના શ્રીગણેશ કર્યા છે.

ગીર સોમનાથનાં તાલાળા ગીર સહિત ગ્રામ્ય પંથકોમાં છેલ્લા બે દિવસથી મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા ખેડૂતો ખુશખુશાલ બન્યા છે. આ વર્ષે ચોમાસું મોડું શરૂ થતાં ખેડૂતો ચિંતિત બન્યા હતા. પરંતુ છેલ્લા બે દિવસથી ગીર પંથકમાં મેઘમહેર થતા ગીર વિસ્તારના કેટલાક ભાગના ખેડૂતોએ આજથી જ મગફળી, સોયાબીન, તુવેર સહિતનાં પાકોનું વાવેતર શરૂ કરી દીધું છે. ગીર વિસ્તારમાં પ્રથમ આગોતરી મગફળીનું વાવેતર થયા બાદ ચોમાસું વાવણીની શરૂઆત થાય છે. હજુ પણ ગીરનાં કેટલાક ભાગોમાં વાવણીલાયક વરસાદ થયો નથી. હવે પછીના ત્રીજા વરસાદ થયા બાદ ફરી વાવણી શરૂ થશે.

આ પણ વાંચોઃ સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં, ધમકી આપવા મામલે FIR દાખલ

ગીરના ખેડૂતોના કહેવા મુજબ તાલાળા તાલુકાના વિઠ્ઠલપુર, રાયડી સહિતના ગામોમાં વાવણીલાયક વરસાદ થયો છે. તો ગીર બોર્ડરનાં ગામો જેવા કે હરમડિયા, વલાદર, ગાંગેથા, અરણેજ સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે. હવે સચરાચર વરસાદની આશા ખેડૂતો સેવી રહ્યા છે. આ વિસ્તારમાં સારો વાવણીલાયક વરસાદ થયો છે. ત્યાં ખેડૂતો દ્વારા વાવણી શરૂ કરી દેવામાં આવી છે. આથી સેંકડો હેક્ટર જમીનમાં વાવણી થશે. ખેડૂતોને આશા છે કે, આ વર્ષે ચોમાસું ભલે મોડું શરૂ થયું હોય પરંતુ ખૂબ જ સારું રહેશે. જેથી ગીર પંથકમાં વિવિધ પાકોનું ઉત્પાદન પણ સારૂ એવું થશે.