December 25, 2024

ગીર-સોમનાથમાં જળબંબાકાર, 4 કલાકમાં 4 ઇંચ વરસાદ!

ગીર-સોમનાથઃ હવામાન વિભાગની આગાહી અનુસાર સૌરાષ્ટ્રમાં વરસાદ શરૂ થયો છે. ગીર સોમનાથ જિલ્લાના ગ્રામ્યમાં વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો છે. ગીર ગઢડામાં છેલ્લા 4 કલાકમાં અતિભારે વરસાદ વરસ્યો છે. ચાર કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકતા નદી-નાળા છલકાઈ ગયા છે.

ગીર ગઢડાની રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગીરના જંગલ વિસ્તારમાં સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ ચાલુ છે. જેમાં 4 ઇંચ વરસાદ વરસતા રૂપેણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. નદીમાં પાણી આવતા બે કાંઠે જોવા મળી છે. વરસાદને લઈને ગીર ગઢડામાં આવેલું ફરેડા ગામ સંપર્કવિહોણું બન્યું છે.

ગીર ગઢડામાં ભારે વરસાદને લઈને નગલ્લા ગામ પાસેથી પસાર થતી શાહી નદીમાં પૂર આવ્યું છે. તુલસીશ્યામ, ધોકડવા, ગીર-ગઢડા અને જંગલ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના લીધે ધોકડવા, નગલ્લા ગામમાંથી પસાર થતી શાહી નદીમાં ભારે પૂર આવ્યું આવ્યું છે. નદીમાં પૂર આવતા નગલ્લાં ગામના પુલ ઉપર બે ફૂટ પાણી ફરી વળતા ગામ સંપર્કવિહોણું બન્યું છે.