News 360
Breaking News

ગીર ગઢડામાં PGVCLની ગંભીર બેદરકારી, વીજ જોડાણ ન હોવા છતાં બિલ આપ્યું

ધર્મેશ જેઠવા, ગીર ગઢડાઃ રાજ્યમાં અનેકવાર વીજકંપનીની બેદરકારીને કારણે ગ્રાહકો મોટી મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે PGVCLની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. જેમાં ખેડૂતને વીજ જોડાણ ન આપ્યું હોવા છતાં વીજ બિલ મોકલવામાં આવ્યું છે.

વડવિયાળા ભીખા લાલજી દોમડિયા નામના ખેડૂતે જમીન પર વીજ જોડાણ માગ્યું હતું. વીજ પોલ અને ટ્રાન્સફોર્મર તો લગાવ્યું પણ વીજ જોડાણ હજુ સુધી આપ્યું નહીં. વીજ જોડાણ આપ્યું ન હોવા છતાં PGVCL દ્વારા તારીખ 25ના રોજ બિલ આપવામાં આવ્યું છે. ભીખા દોમડિયાને 520 રૂપિયાનું બિલ આપ્યું છે.

ગીર ગઢડા તાલુકાના વડવિયાળા ગામના ખેડૂત ભીખા લાલજી દોમડિયા નામના ખેડૂતે તારીખ 23 મે, 2023માં ખેતીની જમીન ઉપર વીજ જોડાણ માંગ્યું હતું. PGVCL દ્વારા વીજ પોલ અને ટ્રાન્સફોર્મર તો લગાડી દેવામાં આવ્યા પણ વીજ જોડાણ હજુ સુધી આપ્યું નહીં. ગામના કોઈ વ્યક્તિ દ્વારા વાંધા અરજી કરેલી, જેનો ચુકાદો પણ ભીખા દોમડિયાની તરફેણમાં આવ્યો હતો અને જિલ્લા કલેકટરે આ અંગે જોડાણ કરવા હુકમ પણ કરી આપી હતી. જિલ્લા કલેકટરના આ હુકમનો PGVCL દ્વારા અનાદર કરવામાં આવ્યો હતો. હજુ પણ કનેક્શન આપવામાં આવ્યું ના હતું. વીજ જોડાણ કરવા માટે ખેડૂત ભીખા દોમડિયા છેલ્લા 6 મહિનાથી વીજ કચેરીના ધક્કા ખાય રહ્યા છે.

ખેડૂત ભીખા દોમડિયાએ પિયત માટે વાડીમાં બોર પણ બે વર્ષથી કરાવીને રાખ્યો છે, પણ વીજ જોડાણ ન મળતા ચોમાસા સિવાય કોઈ પાક લઈ શકતા નથી. નવાઈ તો ત્યારે થઈ કે, ભીખા દોમડિયાને વીજ જોડાણ આપ્યું ન હોવા છતાં PGVCL દ્વારા તારીખ 25ના રોજ ભીખા દોમડિયાના નામનું 520 રૂપિયાનું બિલ ફાડી નાંખ્યું.