November 22, 2024

ઇકોઝોનને લઈને ચિત્રાવડ ગામે બેઠક, કહ્યું – સરકાર ખેડૂતોની માતા ન છીનવે

અરવિંદ સોઢા, ગીર-સોમનાથઃ તાલાળા ગીરના ચિત્રાવડ ગીર ગામે ઇકોઝોનને લઈ બેઠક યોજાઈ હતી. મોડી રાત્રે યોજાયેલી બેઠકમાં 15થી 20 ગામના હજારો ખેડૂતો જોડાયા હતા. ભાદરકા મહંત કરશનદાસ બાપુએ બેઠકમાં સરકારને આડે હાથ લીધી અને કહ્યું કે, સરકાર ખેડૂતોની માતા ન છીનવે.

છેલ્લા એકાદ દોઢ મહિનાથી ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં રેલીઓ, ગરબા, સભાઓ અને બેઠક યોજી વિરોધનો વંટોળ ઉઠ્યો છે. કારણ કે સરકાર દ્વારા ઇકો સેન્સેટિવ ઝોનને જાહેરનામુ પ્રસિદ્ધ કરતા ગીર જંગલને અડીને આવેલા ત્રણ જિલ્લાના 196 ગામોને ઇકો સેન્સેટિવ ઝોનમાં સમાવેશ કરવાનું જાહેરનામું પ્રસિદ્ધ થતાની સાથે ગીરના ખેડૂતોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે. આટલા સમયના વિરોધ છતાં સરકાર તરફથી કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. જો કે, સરકારના કેટલાક નેતાઓ પણ આ ઇકોઝોનના વિરોધમાં ખેડૂતોને સર્મથન આપી ચૂક્યા હોવા છતાં આજ દિન સુધી કાયદાને કોઈ ફેરફાર જીવ મળ્યો અને વન વિભાગ પણ ગીરના ગામોમાં જઈ ઇકોઝોનને ગેરસમજ દૂર કરવાના પ્રયાસો કરી રહ્યું છે. પરંતુ તેમના પ્રયાસો નિષ્ફળ જતા હોય તેવું લાગી રહ્યું છે.

ગત મોડી રાત્રે તાલાળા તાલુકાનું છેવાડાનું અને ગીર જંગલની મધ્યમાં આવેલા ચિત્રાવડ ગામે ભાદરકાના મહંત કરશનદાસ બાપુ અને આપ નેતા પ્રવીણ રામની આગેવાની હેઠળ તાલાળાના 15થી 20 જેટલા ગામોના ખેડૂતો એકઠાં થયા હતા અને એકસાથે મળીને ઇકોઝોનનો વિરોધ કરવા અનુરોધ કર્યો હતો.

એક તરફ ઇકો ઝોનને લઈ ગીર જંગલ આસપાસના વિસ્તારોમાં વિરોધ વધતો જઈ રહ્યો છે. સરકાર સમગ્ર મામલે મૌન છે. ત્યારે આજે યોજાયેલી ચિત્રાવડ ખાતેની બેઠકમાં ભાદરકાના મહંતે સરકારને આડે હાથ લીધી હતી અને કહ્યું કે, સરકાર ખેડૂતોની માતા તેમની જમીન છીનવવાનું કાવતરું કરી રહી છે. સરકારના આ ઇરાદાને કયારેય સફળ થવા દઈશું નહીં. ઇતિહાસ સાક્ષી છે જ્યારે જ્યારે કોઈએ ખેડૂતોની જમીન છીનવવાનો પ્રયાસ કર્યો છે ત્યારે ખેડૂત ખપી જવા તૈયાર થયો છે. આજની આ બેઠકમાં આવેલા તમામ ખેડૂતો અને મહિલાઓ એકસાથે મળી ઇકો ઝોનનો વિરોધ કરવો અને આવનારા દિવસો આંદોલનને વધુ ઉગ્ર બનાવવા એક સૂર ઉઠ્યો હતો.