December 28, 2024

ઉનાના ભારતીય માછીમારે પાકિસ્તાનની જેલમાંથી મોકલ્યો મેસેજ, જાણો શું કહ્યું

gir somanth una fisherman sent message from pakistan jail

રાજેશ ભજગોતર, ગીર સોમનાથઃ ગીર સોમનાથ જિલ્લાનો ઉના તાલુકો માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલો છે. અહીં અન્ય કોઈ ઔદ્યોગિક વિકાસ નથી. તેથી લોકો ખેતી અને માછીમારી ઉપર નિર્ભર છે. ઉના તાલુકાના આસપાસના ગામડાના લોકો વર્ષના 7થી 8 મહિના દરિયામાં માછીમારી કરવા જાય છે. માછીમારોના આ વ્યવસાયમાં ખૂબ જોખમ રહેલું છે. અવારનવાર માછીમારોને બોટ સાથે દરિયામાંથી પાકિસ્તાન એજન્સીઓના ઉઠાવી જાય છે અને પકડીને પાકીસ્તાનમાં કેદ કરી દે છે. આ માછીમારોને છોડાવવામાં સરકારને ત્રણથી ચાર વર્ષ લાગે છે અને ક્યારેય માછીમારોની લાશ પણ આવે છે. પાકિસ્તાનમાં કેદ ભારતીય માછીમારોની પરિસ્થિતિ ખૂબ દયનીય છે. રોગથી પીડાતા લોકોની ત્યાં સારવાર પણ યોગ્ય રીતે કરવામાં આવતી નથી. જેથી ઘણીવાર આ વિસ્તારના લોકોની લાશ પણ બે મહિને આવી હોવાના બનાવો બન્યા છે.

21મી એપ્રિલે રોજ રાત્રિના સમયે વોટ્સઅપમાં એક મેસેજ આવ્યો હતો. જે પાકિસ્તાન જેલમાં મિત્ર ભરત બાંભણિયાનો હતો. તેમાં એવું લખ્યુ હતુ કે, ‘અમે અઢી વર્ષથી પકડાયેલા છીએ હજી સુધી નથી છૂટ્યા નથી. જ્યારે થોડા સમય પહેલા પકડાયેલા માછીમારો છે તેમને છોડવામાં આવે છે. તો હું સરકારને આટલું કહેવા માગું છું.’ પાકિસ્તાન જેલમાં કેદ ભરત બાંભણિયાના ઘર પરિવારને, ધારાસભ્ય કે.સી. રાઠોડ, સાંસદ રાજેશ ચુડાસમા, કોળી સમાજ આગેવાન રસિક ચાવડા સહિતનાઓને આ અંગે જાણ કરવામાં આવે અને અમને વહેલી તકે છોડાવવામાં આવે. કારણ કે પાક જેલમાં કેદ માછીમારોની તબિયત અહીંયા બહુ ખરાબ છે. જેથી વહેલી તકે છોડાવો. અજાણ્યા નંબર પરથી આ પત્ર આવ્યો છે તે મારા મિત્ર ભરતભાઈ બાંભણિયા કે તેઓ હાલ પાકિસ્તાનની લાડી જેલમાં છે.

પકડાયેલા માછીમાર ભરતભાઈના પત્ની લક્ષ્મીબેન કહે છે કે, ‘ત્રણ ત્રણ વર્ષ થયાં પહેલા લિસ્ટ આવ્યું હતું તેમાં નામ હતું તો એ લિસ્ટ પાછું દબાઈ ગયું તો પાછું નામ નથી. ઉનાવાળા રાકેશભાઈના મોબાઇલમાં એક લિસ્ટ આવ્યું છે તેમાં પાછળથી પકડાયેલા હતા તેમનું નામ આવી ગયું, તો પહેલાના પકડાયેલા તેના નામ કેમ નથી ? તેમાં નામ કેમ દબાઈ ગયા? સરકારને વિનંતી કરું છું કે પાકિસ્તાનની જેલમાં માછીમારો પકડાયા છે તેને છોડાવવામાં આવે. અમારે પરીવારમાં નાના બાળકો છે. સાવરણા બનાવી 10 રૂપિયા વેચીએ પરીવારનું ગુજરાન કરીએ છીએ. છોકરા બીમાર પડે તો અમારે તેમના ઈલાજ માટે કેમ ખર્ચો કરવો? અન્ય બીજી આવક નથી. પરિવારમાં એક જ વ્યક્તિ કમાઉ હતો. જે ત્રણે ત્રણ વર્ષથી પાકિસ્તાનની જેલમાં છે તો સરકારને વિનંતી કરીએ છીએ કે વહેલી તકે પાક જેલમાંથી છોડાવે.

ઉના તાલુકાના ખાણ ગામના ભરત બાંભણિયા નામના યુવક પાકિસ્તાન જેલમાં આશરે છેલ્લા ત્રણ વર્ષથી કેદ છે. ભરતનો પરિવાર ખાણ ગામે માતા સાથે પત્ની અને બે બાળકો રહે છે. નાળિયેરીના પાનમાંથી સાવરણા કાઢીને દસ દસ રૂપિયામાં વેચાણ કરી ગુજરાન ચલાવે છે. ખાણ ગામના કુલ 9 લોકો પાકિસ્તાન જેલમાં આશરે ત્રણ ત્રણ વર્ષથી કેદ છે.

પાકિસ્તાનમાં પૂરાયેલા દીકરાની રાહ જોતી માતા પાંચુબેન કહે છે કે, ‘પાકિસ્તાન જેલમાં કેદ ભરતનું યાદીમાં નામ આવેલ હતું અને હવે કેમ ફરી કેમ નામ નથી આવ્યું? નારિયેળીના પાનામાંથી સળિઓ કાઢી સાવરણા બનાવી મારા દીકરાના દીકરાનું અને અમારું ગુજરાન ચલાવીએ છીએ. આવકનું અન્ય કોઈ સાધન કે જમીન પણ નથી. ઉનાના રાકેશભાઈ અમને કીધું કે, અમારા દીકરાએ કાગળ લખી મોકલેલો છે. હાલ દીકરો ભરત પાકિસ્તાનની જેલમાં છે તો સરકારને વિનંતી કે અમારા દીકરા ભરતને વહેલા છોડાવવામાં આવે.’

ગત રાત્રીના ભરતના એક ઉના રહેવાસી મિત્ર રાકેશને એક અજાણ્યા નંબરથી મેસેજ આવ્યો હતો. તે ખોલતા તેમાં ભરતનો લેટર હોવાનું જાણવા મળ્યું છે. આ લેટરમાં પાકિસ્તાનમાં કેદ 148 કેદી કે જેઓ 3થી 4 વર્ષથી કેદ છે. તે છૂટી જવાના હતા અને યાદી પણ બની ગઈ હતી. પરંતુ હાલ બીજી એક યાદી પાક જેલના કેદીની બની છે જે કેદીઓ એક વર્ષ પહેલાં જ આવેલા છે. એવું ભરત ભાઇને જાણવા મળેલ છે. ભરત ભાઈએ તેમના મિત્ર રાકેશને આ અંગે રાજકીય આગેવાનોની સંપર્ક કરવા અને તંત્રને રજૂઆત કરવા જણાવ્યું છે. પાકિસ્તાની મોબાઈલ નંબરથી આવેલા વોટ્સએપ ઉપરનો લેટર કોણે મોકલ્યો છે, એ વાતની પુષ્ટિ કરી શકાતી નથી, પણ મોબાઇલ નંબર પાકિસ્તાનનો હોય એવું ખ્યાલ આવી શકે છે.