December 26, 2024

ખિલાવડ સેવા સહકારી મંડળીના મંત્રી-પ્રમુખે લાખોની ઉચાપત કરી, હવે 58 ખેડૂતો પરેશાન!

ધર્મેશ જેઠવા, ગીર-સોમનાથઃ ગીર-ગઢડા તાલુકામાં ખિલાવડ ગામે ગત ઓગસ્ટ 2023માં ખિલાવડ સેવા સહકારી મંડળીના મંત્રી અશોક ગોકુળદાસ બગીયા તેમજ પ્રમુખ કનુ રણછોડ ભાલાલે 58 સભાસદોના ખાતામાંથી 73.80 લાખ રૂપિયાની ઉચાપત કરીને ભ્રષ્ટાચાર આચર્યો હતો. આ બાબતને લઈને આ બંને શખ્સો વિરુદ્ધ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ગીર ગઢડા શાખાના મેનેજર દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ગીર ગઢડા પોલીસ દ્વારા આ બંને શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે. મંડળી પાસે કુલ 2,80,18,900 રૂપિયા ચડત વ્યાજ પેટે બાકી છે. તેમજ મંડળીના કુલ 58 બાકીદારો ખેડૂતોના નામે ધિરાણ બોલે છે.

આ ઘટનાને એક વર્ષથી વધુ સમય વીતી ગયો છતાં ખિલાવડ ગામના સહકારી મંડળીના સભાસદોને હજુ પણ ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ મળતું નથી કે જેથી અન્ય બેન્કમાંથી ધિરાણ પણ મળતું નથી. ખેડૂત ખાતેદારોને ખેતીને લગતા કામ જેવાં કે ધિરાણ મેળવવું, ખેતીનું વેચાણ કે ખેતીમાં હક્કમી કે વારસાઈ થઈ શકતી નથી. ખેડૂતો આ અંગે જિલ્લા સહકારી બેંકમાં ધક્કા ખાય છે. એક વર્ષથી વધુ સમય થયો. તેમ છતાં નાના ખેડૂતોને આ અંગે ન્યાય ના મળ્યો. ગુનો નોંધાય ગયાના 6 મહિના બાદ પણ ખેડૂતોને ધિરાણ ભરપાઈ કરવા અંગેની બેંક તરફથી નોટિસ મોકલવામાં આવે છે. જેણે ‘નો ડયુ’ મેળવી લીધું છે અને કોઈ ધિરાણ ઉપાડ્યું નથી તેવા લોકોને પણ પૈસા ભરવા અંગે નોટિસ મળી રહી છે. દિવસ-રાત એક કરીને ખેતી કરનારા ખેડૂત સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ દ્વારા આચરવામાં આવેલી ઉચાપતનો ભોગ બન્યા હતા. આટલી મોટી રકમ કેવી રીતે ભરપાઈ કરે. જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને ખિલાવડ સેવા સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખની ભૂલોમાં ખેડૂતો પીસાઈ રહ્યા છે. પાક માટે ધિરાણ મળતા સિઝન, સમય, બિયારણ અને ખાતર લેવામાં આર્થિક સહયોગ મળતો હતો એ મળી રહ્યો નથી.

આ અંગે ખેડૂતો દ્વારા જુનાગઢ જિલ્લા સહકારી બેંકની ગીર ગઢડા શાખામાં જતા અહીંના અધિકારીઓ ઉડાઉ જવાબ આપે છે કે, ‘જૂનાગઢ બેંકથી એ નોટિસ મોકલવામાં આવે છે. આ અંગે અમને કોઈ ખ્યાલ નથી.’ તેમજ ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ મેળવવા ખાતેદારો જાય છે તેને કોર્ટમાં કેસ ચાલે છે અને મંડળીના ચોપડા અને અન્ય રેકર્ડ હાલ ન હોવાથી ‘નો ડ્યૂ સર્ટિફિકેટ’ ના મળી શકે તેવા ઉડાઉ જવાબ આપવામાં આવે છે.

આમ જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને ખિલાવડ સેવા સહકારી મંડળીના કર્મચારીઓએ આચરેલા કૌભાંડમાં બેંક કર્મચારીની કોઈ ભૂમિકા ના હોય તેવું બતાવ્યું છે. જ્યારે હાલમાં જ ગીર ગઢડા તાલુકાના શાણા વાંકીયા ગામે શાણા વાંકીયા સેવા સહકારી મંડળીના મંત્રી અને પ્રમુખ દ્વારા પણ 6.32 કરોડની છેતરપિંડી કરવામાં આવી હતી. તેમાં બેંકના 4 જેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરીને સંતોષ માનવોમાં આવ્યો હતો. દરેક ગામની સહકારી મંડળીમાં તેના પ્રમુખ અને મંત્રીઓ દ્વારા આવી ગેરરીતિ આચરવામાં આવતી હશે કે કેમ? આ કૌભાંડમાં બેંકના કર્મચારીઓની પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંડોવણી હોય તેવું જણાય છે. વળી, આ ઉચાપત અંગેની તપાસ પણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના કર્મીઓ કરી રહ્યા છે, જેથી ઘીના ઠામમાં ઘી ઢોળાય જશે કે જગતના તાતને ન્યાય મળશે? કોણ ભરશે ખેડૂતના નામે નોંધાયેલ લેણાંના નાણાં? આવા અનેક સવાલ ઉભા થયા છે. જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ગીર ગઢડા શાખાના બ્રાન્ચ મેનેજરે આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું અને જણાવ્યું હતું કે, ઉપરની શાખાથી મનાઈ છે.