November 14, 2024

નર્મદા જિલ્લામાં ભૂતિયા શિક્ષકનો ખુલાસો, 2 વર્ષથી US જઈ બેઠા ગામના શિક્ષક

પ્રવીણ પટવારી, નર્મદા: રાજ્યમાં છેલ્લા દિવસો સમયથી શિક્ષણ ક્ષેત્ર ચર્ચામાં આવી ગયું છે. ચર્ચા અને વિવાદનું મુખ્ય કારણ છે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાંથી સામે આવી રહેલા ભૂતિયા શિક્ષકો છે. આ એવા પ્રકારના શિક્ષકો છે જેમને શાળામાં શિક્ષણ કાર્ય કરતાં હરવા ફરવામાં અને પગાર લેવામાં વધારે રસ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાંથી આ પ્રકારના ભૂતિયા શિક્ષકો સામે આવી રહ્યા છે ત્યારે હવે નર્મદા જિલ્લામાંથી પણ એક ભૂતિયા શિક્ષિકા ઝડપાઇ કે જે 2 વર્ષ અને 2 મહિનાથી વિદેશમાં જઈ બેઠા છે. એટલું જ નહિ અહીંયા શિક્ષક વડે સ્કૂલ ચાલે છે.

ગુજરાત રાજ્યમાં ભૂતિયા શિક્ષકો કે જે સરકારી શાળાઓમાં નોકરી કરતા હોવા છતાં રજા મૂકી કે કપાત પગારે વિદેશમાં જઈને વસવાટ કરી રહ્યા છે. આવા ભૂતિયા શિક્ષકોને લઈને રાજ્યમાં ઘણી ચર્ચા ચાલી રહી છે. ત્યારે, ન્યુઝ કેપિટલ ચેનલ દ્વારા આવા ભૂતિયા શિક્ષકોનો પર્દાફાશ કરતા રાજ્ય સરકાર પણ એક્શન લેવા મજબૂર બની છે. આજે ન્યૂઝ કેપિટલની ટીમ ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકાના બંદરપુરા ગામે પહોંચી આ બંદરપુરા પ્રાથમિક શાળામાં એક શિક્ષિકા નીલેશ્વરીબેન રેવાભાઈ પટેલ જેઓ 13 જૂન 2022થી અમેરિકા વિદેશ ગયા ત્યારથી પાછા નથી ફર્યા. રજા મુકીને ગયા પણ રજા મંજુર થઈ કે નહિ તે જોવા પણ રહ્યા નથી અને હાલમાં તેઓની આજે પણ સરકારી મસ્ટરમાં કપાત પગારે રજા બોલે છે.

બંદરપુરા પ્રાથમિક શાળામાં 1 થી 5 ધોરણ સુધીની છે જેમાં 43 જેટલા બાળકો ભણે છે. છેલ્લા અઢી વર્ષથી માત્ર એક શિક્ષક દ્વારા આ શાળામાં શિક્ષણ કર્યા કરવામાં આવી રહ્યું છે જેને કારણે શાળાના બાળકોનો અભ્યાસ જોખમાઈ રહ્યો છે. આ એક શિક્ષક મુખ્ય શિક્ષક હોય ટપાલના કામે, મિટિંગના કામે કે કોઈ સ્કૂલના કારણે જવાનું હોય. ત્યારે, આ બાળકોનું શિક્ષણ અધ્ધરતાલ થઈ જતું હોય છે. પરંતુ સરકાર દ્વારા જો આવી એક શાળામાં એક શિક્ષક હોય અને એ શાળાના કામથી બહાર જાય કે રજા પર જાય ત્યારે બાજુના ગ્રુપ શાળાના કોઈ પણ એક શિક્ષક આ શાળાનું સંચાલન કરે અને બાળકને શિક્ષણ આપે જેથી બાળકનું શિક્ષણ બગડે નહીં એવી વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી છે.

જ્યારે ન્યુઝ કેપિટલની ટીમ બંદરપુરા શાળાની મુલાકાત લીધી ત્યારે પણ આ શાળાના મુખ્ય શિક્ષક સામાજિક પ્રસંગે બહાર હતા અને બાજુના શાળાના શિક્ષક આ શાળામાં શિક્ષણ આપતા હતા આમ એક શિક્ષક દ્વારા ચાલતી આ શાળામાં સ્થાનિક ગ્રામજનો પણ બીજા શિક્ષકની કાયમી શિક્ષકની માંગણી કરી રહ્યા છે. ત્યારે, અઢી વર્ષથી વિદેશમાં વસતા આ નિલેશ્વરીબેન પટેલ પર સરકાર એક્શન લે અથવા સસ્પેન્ડ કરે તો આ જગ્યા ખાલી પડે અને તેમની જગ્યાએ નવા કાયમી શિક્ષક આવે. રાજ્યમાં આવા 23 થી વધુ શિક્ષકો ભૂતિયા ઝડપાયા છે. ત્યારે નર્મદા જિલ્લામાં પણ વધુ એક શિક્ષિકા બે વર્ષ અને બે મહિનાથી વિદેશમાં બેઠા હોવાની વાત જાહેર થાય છે. હવે જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતનો રિપોર્ટ રાજ્ય સરકારમાં કરતા સરકાર હવે આ બાબતે પગલા ભરાશે અને આ ખાલી જગ્યામાં શિક્ષકો ભરાશે.