September 12, 2024

સુધરી જાઓ…નશામાં ધૂત ગ્લેન મેક્સવેલ થઇ ગયા હતા બેભાન, હવે કોચે આપી સલાહ

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેન અને ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલ વિશે એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે તે બેભાન થઇ ગયો હતો. હવે તપાસ બાદ સમગ્ર મામલો સામે આવ્યો છે. થયું એવું કે ગયા અઠવાડિયે એડિલેડમાં તે મોડી રાત્રે દારૂ પીને બેભાન થઈ ગયો અને અનેક વખત ઉઠાડવા છતા પણ જાગ્યો નહીં, જેના પછી તેને હોસ્પિટલ લઈ જવો પડ્યો. એક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. પહેલા મેક્સવેલને શા માટે હોસ્પિટલમાં લઈ જવો પડ્યો તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ પછી જણાવાયું હતું કે તે બેભાન થઈ ગયો હતો. રસ્તામાં ભાનમાં આવ્યો.

નશામાં ધૂત હોવાના કારણે ક્રિકેટર થયો  હતો બેભાન

ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે કહ્યું કે ગ્લેન મેક્સવેલ મર્યાદિત ઓવરોની ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયન ટીમનો મહત્વપૂર્ણ સભ્ય છે, પરંતુ એડિલેડમાં બનેલી ઘટના બાદ તેણે જે વચન આપ્યું છે તે કરવું જોઈએ. ગયા અઠવાડિયે, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર બ્રેટ લીના બેન્ડ ‘સિક્સ એન્ડ આઉટ’ના કોન્સર્ટમાં હાજરી આપ્યા બાદ નશામાં ધૂત હોવાના કારણે બેભાન થઇ ગયો હતો.

ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપી હતી

જો કે, તે લાંબા સમય સુધી હોસ્પિટલમાં રહ્યો ન હતો, તેને ટૂંક સમયમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને હવે તે ટ્રેનિંગમાં વ્યસ્ત છે. મેકડોનાલ્ડે કહ્યું, ‘મેં ગ્લેન સાથે વાત કરી. આ ઘટના અંગે પણ લાંબી ચર્ચા ચાલી હતી. આગળ વધવા માટે, તેઓએ પોતાના પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

તેણે કહ્યું, ‘અમે તેને આરામ માટે સમય આપ્યો અને મને લાગે છે કે તેના માટે પાઠ એ હશે કે તે પોતાનું વચન પૂરું કરે અને આ સમયમાં પોતાની સંભાળ રાખે.’

મેક્સવેલને આવતા મહિને વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રણ મેચની હોમ વનડે શ્રેણી માટે આરામ આપવામાં આવ્યો છે અને આ દરમિયાન તેણે એડિલેડમાં ગોલ્ફ ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો અને ત્યારબાદ આ ઘટના બની હતી. મેકડોનાલ્ડે કહ્યું, ‘અમે ગ્લેનને આગામી ત્રણ કે ચાર વર્ષ ઓસ્ટ્રેલિયા માટે ક્રિકેટ રમતા જોવા માંગીએ છીએ. શું તે આગામી 2027માં દક્ષિણ આફ્રિકામાં રમાનારી વર્લ્ડ કપમાં રમી શકશે? કોણ જાણે. પરંતુ તે અમારા સફેદ બોલના ફોર્મેટમાં મહત્વનો ખેલાડી છે.