News 360
January 9, 2025
Breaking News

જર્મનીમાં બેફામ કાર ચલાવનારા સાઉદી અરબના વ્યક્તિની ધરપકડ, ઇસ્લામનો કટ્ટર વિરોધી

જર્મનીઃ શુક્રવારે સાંજે એક બેકાબૂ કારનો આતંક જોવા મળ્યો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે તેણે માર્કેટમાં 68 લોકોને કચડી નાંખ્યા હતા. જ્યારે બે લોકોનાં મોત થયા હતા. જર્મન પોલીસે આ કેસમાં સાઉદી અરેબિયાના 50 વર્ષીય ડોક્ટરની ધરપકડ કરી છે.

આરોપીનું નામ તાલેબ એ. છે. તે ભૂતપૂર્વ મુસ્લિમ અને ઇસ્લામના કટ્ટર ટીકાકાર અને જર્મનીના જમણેરી રાજકીય પક્ષ ‘અલ્ટરનેટિવ ફોર જર્મનીના (FD) સમર્થક છે. સાથે જ તેઓ ઇમિગ્રેશન વિરોધી વલણ અપનાવે છે.

તાલેબ 2006થી જર્મનીમાં રહેતો હતો, તે મનોચિકિત્સક હતો. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલો તાલેબે એકલા હાથે કર્યો હતો. તેણે હુમલા માટે BMW કારનો ઉપયોગ કર્યો હતો, જે તેણે ભાડે લીધી હતી. તાલેબની સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ દર્શાવે છે કે, તે સાઉદી અરેબિયામાં રહેતી વખતે તેના નાસ્તિક વિચારો વ્યક્ત કરવામાં અસમર્થ હતો, કારણ કે સાઉદી અરેબિયામાં માત્ર ઇસ્લામને કાયદેસર રીતે માન્યતા છે.

તેણે સાઉદી અરેબિયા કેમ છોડ્યું?
તાલેબનો જન્મ 1974માં સાઉદી અરેબિયાના શહેર હોફુફમાં થયો હતો અને તેણે 2006માં જર્મની માટે કાયમી રહેવાની પરમિટ મેળવી હતી. તેને 2016માં શરણાર્થી તરીકે ઓળખ આપવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર, તે સાઉદી અરેબિયામાં તેના નાસ્તિક મંતવ્યો અને દૃષ્ટિકોણ વ્યક્ત કરવામાં અસમર્થ હતો, કારણ કે, સાઉદી અરેબિયામાં કાયદા હેઠળ ઇસ્લામ એકમાત્ર ધર્મ છે.

જર્મની આવ્યા બાદ તેણે એક વેબસાઈટ બનાવી જેનો હેતુ સાઉદી અરેબિયા અને અન્ય ખાડી દેશોના ભૂતપૂર્વ મુસ્લિમોને આ દેશોમાંથી ભાગીને જર્મની જેવા દેશોમાં શરણ લેવા માટે મદદ કરવાનો હતો. જો કે, સાઉદી અરેબિયાએ તાલેબ પર આતંકવાદ અને મધ્ય-પૂર્વીય છોકરીઓને યુરોપિયન દેશોમાં હેરફેર કરવાનો આરોપ લગાવ્યો હતો. જર્મનીએ તેને સાઉદી અરેબિયામાં પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો અને તેને આશ્રય આપ્યો હતો.

રાષ્ટ્રપતિ અને પીએમએ શોક વ્યક્ત કર્યો
વડાપ્રધાન હેસ્લોફે કહ્યુ કે, ‘અમે ગુનેગારની ધરપકડ કરી લીધી છે. તે સાઉદી અરેબિયાનો છે અને 2006થી જર્મનીમાં રહે છે. હાલમાં અમને જાણવા મળ્યું છે કે હુમલામાં તે જ સંડોવાયેલ વ્યક્તિ હતો, તેથી અમને નથી લાગતું કે કોઈ વધુ ખતરો છે.’

જર્મનીના પ્રમુખ ફ્રેન્ક-વોલ્ટર સ્ટેઈનમેયરે કહ્યું કે, શાંતિપૂર્ણ ક્રિસમસની આશાઓ અચાનક ધૂંધળી થઈ ગઈ હતી. ત્યારે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે હુમલાની નિંદા કરી હતી અને પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.