December 18, 2024

ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીએ ભારતને પાઠવી સ્વતંત્રતા દિવસની શુભેચ્છા

Independence Day Giorgia Meloni: ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ 78મા સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતીયોને શુભેચ્છા પાઠવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને X પર ટેગ કરતાં મેલોનીએ એક પોસ્ટમાં લખ્યું, ‘હું ભારતના લોકોને અને ખાસ કરીને આ પેજને ફોલો કરનાર તમામ ભારતીયોને મારી હાર્દિક શુભેચ્છાઓ આપવા માંગુ છું. ઇટાલી અને ભારત વચ્ચે મજબૂત સંબંધ છે અને મને ખાતરી છે કે સાથે મળીને આપણે સારા પરિણામો પ્રાપ્ત કરીશું. આપણો વ્યૂહાત્મક સહયોગ ભવિષ્ય માટે મહત્ત્વપૂર્ણ સ્તંભ છે.

શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પણ શુભેચ્છાઓ પાઠવી હતી
સંયુક્ત આરબ અમીરાત (UAE)ના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને પણ ભારતને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવી હતી. તેમણે એક પોસ્ટમાં લખ્યું હતું, આજે ભારત ગર્વથી તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે, જે દેશની અવિશ્વસનીય વિકાસ યાત્રાનું એક પ્રમાણ છે. હું મારા મિત્ર નરેન્દ્ર મોદી અને ભારતના લોકોને આ ઉજવણી પર હૃદયપૂર્વક અભિનંદન આપું છું. UAE અમારી મિત્રતાને મજબૂત કરવા, અમારા દ્વિપક્ષીય સહયોગને આગળ વધારવા અને અમારી સ્થાયી ભાગીદારીના તમામ પાસાઓમાં મજબૂત સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પિત છે. આપણા ભારતીય મિત્રોને સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ.

ઈમેન્યુઅલ મેક્રોને શુભકામનાઓ સાથે ભારત પ્રવાસને યાદ કર્યો
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને પણ સ્વતંત્રતા દિવસના અવસર પર ભારતને શુભેચ્છાઓ પાઠવી છે. તેણે X પર લખ્યું, ’78મા સ્વતંત્રતા દિવસ પર તમામ ભારતીયોને હાર્દિક શુભેચ્છાઓ. જાન્યુઆરીમાં મારી ભારત મુલાકાત દરમિયાન તમારું ઉષ્માભર્યું સ્વાગત મને યાદ છે અને હું મારા મિત્ર નરેન્દ્ર મોદી સાથે અમારી વ્યૂહાત્મક ભાગીદારી માટે નિર્ધારિત મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો હાંસલ કરવા આતુર છું.’ ભારતના 78મા સ્વતંત્રતા દિવસ પર અન્ય ઘણા દેશોના નેતાઓએ વડાપ્રધાન મોદી અને તમામ દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે આજે દેશભરમાં સ્વતંત્રતા દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.