January 21, 2025

ઝારખંડમાં કોંગ્રેસને વધુ એક મોટો ફટકો, ગીતા કોડા ભાજપમાં જોડાયાં

Geeta Kora Joins BJP: ઝારખંડમાં સોમવારે કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસ પાર્ટીની એકમાત્ર સાંસદ ગીતા કોડા ભાજપમાં જોડાઇ ગયા છે. ગીતા કોડા ઝારખંડ ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડી અને વિપક્ષના નેતા અમર બૌરીની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા.નોંધનીય છે કે ગીતા કોડા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડાના પત્ની છે. ગીતા કોડા સિંહભૂમથી સાંસદ છે.

ભાજપમાં જોડાયા બાદ સાંસદ ગીતા કોડાએ કહ્યું, ‘કોંગ્રેસ પાર્ટી કહે છે કે તે બધાને સાથે લઈ ચાલશે, પરંતુ તે ફક્ત તેના પરિવારને સાથે લઈને ચાલે છે. જ્યાં જનતાનું હિત હોય ત્યાંજ રહેવું જોઇએ. કોંગ્રેસમાં જનતાના હિતની અવગણના થઈ રહી છે. તેથી તે યોગ્ય નથી.’ હું કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઇ ગઇ છું. ભાજપમાં રહીને જનતા માટે કામ કરીશ. ગીતા કોડાએ કહ્યું કે કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરે છે.

ગીતા કોડા 2018માં કોંગ્રેસમાં જોડાઈ હતી
ગીતા કોડા સિંહભૂમથી લોકસભામાં પહોંચનાર પ્રથમ સાંસદ છે. નોંધનીય છે કે તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં NDAના ઉમેદવાર અને તત્કાલીન ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવાને હરાવ્યા હતા. અગાઉ 2014ની લોકસભા ચૂંટણીમાં લક્ષ્મણ ગિલુવાએ ગીતા કોડાને હરાવ્યા હતા. જ્યારે 2009માં થયેલી ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ગીતા કોડા 25 હજાર મતોના માર્જિનથી જીત્યા હતા. તે સમયે ગીતા કોડાએ ઝારખંડની સૌથી યુવા ધારાસભ્ય હોવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. તે સમયે ગીતા કોડાની ઉંમર 25 વર્ષની હતી. નોંધનીય છે કે ગીતા કોડા 2018માં કોંગ્રેસમાં જોડાઈ હતી. નોંધનીય છે કે ગીતા કોડાનો જન્મ 26 સપ્ટેમ્બર 1983ના રોજ મેઘહાટુ બુરુ નામના જિલ્લામાં થયો હતો. તેણે ઇન્ટરમિડિયેટ સુધીનો અભ્યાસ કર્યો છે. 2009માં જ્યારે મધુ કોડાને ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં જવું પડ્યું ત્યારે ગીતા કોડાએ રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હવે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે.