January 6, 2025

અમરેલી ગદ્ય સાહિત્ય સભા દ્વારા જામનગરના ગીતા જોષીને ‘ઉજળી પ્રતિભા’ એવોર્ડથી સન્માનિત કરાયાં

સંજય વાઘેલા, જામનગર: સાવરકુંડલા ખાતે પૂજ્ય નારાયણદાસ સાહેબના 45 માં જન્મોત્સવ નિમિત્તે અમરેલી ગદ્ય સાહિત્ય સભા દ્વારા ઉજળી પ્રતિભા સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં સમાજ સેવા ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ જામનગરના સામજિક કાર્યકર ગીતા જોષીને ‘ઉજળી પ્રતિભા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે સાથે લેખક સુધીર મહેતાની કલમે લખાયેલ ઉજળી પ્રતિભાઓ પુસ્તકમાં ગીતા જોષીના જીવન કવનને સ્થાન આપી આ પુસ્તકનું ઉપસ્થિત મહાનુભવોના હસ્તે વિમોચન કરાયું હતું.

ઉલ્લેખનીય છે કે ગીતા જોષીએ પોતાની કારકિર્દીમાં અનેક જરૂરિયાતમંદ લોકોને નિસ્વાર્થ ભાવે મદદ કરી સામજ સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવી છે. ગીતા જોષીએ બાળ ભિક્ષાવૃત્તિ, બાળ લગ્ન, અનાથ બાળકો, જેને માત્ર એક જ વાલી છે તેવા બાળકો તેમજ મહિલા લક્ષી વિવિધ યોજનાઓ અને મહિલા સુરક્ષાના ક્ષેત્રમાં વિવિધ કાર્ય કરી સમાજ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પોતાનો પ્રતિભાવો આપતા ગીતો જોષી જણાવે છે કે દરેક વ્યક્તિ સમાજમાં રહીને કંઈકને કંઈક મેળવે છે અને શીખે છે.ત્યારે દરેક વ્યક્તિનું ઉત્તરદાયિત્વ બને છે કે એ પણ પોતાના જીવનકાળ દરમિયાન સમાજને કોઈને કોઈ રીતે ઉપયોગી થાય અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થઈ તેમને હુંફ અને સધિયારો આપી આ સંસારને સુંદર અને હકારાત્મક બનાવવામાં નિમિત્ત રૂપ બને.