November 23, 2024

ICRAનું અનુમાન, પહેલા ક્વાર્ટરમાં 6% રહેશે GDP ગ્રોથ, છેલ્લા 6 કવાર્ટરનો સૌથી ઓછો વિકાસ

India GDP: ICRAએ ગુરુવારે અનુમાન લગાવ્યું છે કે સરકારી મૂડી ખર્ચમાં ઘટાડો અને શહેરી ઉપભોક્તાઓની નબળી માંગને કારણે એપ્રિલ-જૂનમાં ભારતનો આર્થિક વિકાસ દર છેલ્લા 6 મહિનાના સૌથી નીચા સ્તરે 6% પર આવી જશે.

ICRA (Investment Information and Credit Rating Agency)ને આશા છે કે સમગ્ર નાણાકીય વર્ષ 2024-25 માટે GDP 6.8ના દર સાથે વધશે, જે 2023-24ના વૃદ્ધિ દર 8.2%થી ઓછો છે. સ્થાનિક રેટિંગ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ICRAએ સરકારી મૂડી ખર્ચમાં ઘટાડો અને શહેરી ઉપભોક્તા વિશ્વાસમાં ઘટાડો થવા દરમિયાન નાણાકીય વર્ષ 2025ના પહેલા ક્વાર્ટરમાં GDPના વાર્ષિક (YoY) વિસ્તારને નાણાકીય વર્ષ 2024ના ચોથા ક્વાર્ટરના 7.8 %થી ઘટીને છેલ્લા 6 ક્વાર્ટરના સૌથી નીચા સ્તરે લાવવાનું અનુમાન લગાવ્યું છે.

જૂન ક્વાર્ટરની વૃદ્ધિ માટેના સત્તાવાર ડેટા 30 ઓગસ્ટના રોજ MoSPI (મિનિસ્ટ્રી ઑફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઇમ્પ્લીમેન્ટેશન) દ્વારા જાહેર કરવામાં આવશે. 2023-24 ના જૂન ક્વાર્ટર (Q1)માં વૃદ્ધિ દર 8.2 ટકા રહ્યો હતો. ICRAના ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે વર્તમાન નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં લોકસભા ચૂંટણીઓ અને કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે સુસ્ત સરકારી મૂડી ખર્ચને કારણે કેટલાક ક્ષેત્રોમાં કામચલાઉ મંદી જોવા મળી હતી.

આ ઉપરાંત, તેમણે જણાવ્યું કે ભારતીય રિઝર્વ બેન્કના ઉપભોક્તા વિશ્વાસ સર્વેક્ષણ મુજબ, શહેરી ઉપભોક્તા વિશ્વાસમાં ચોંકાવનારો ઘટાડો થયો છે. આ દરમિયાન, ગત વર્ષે પ્રતિકૂળ ચોમાસાના લાંબા સમય સુધી ચાલવાને કારણે અને 2024ના ચોમાસાની આસમાન શરૂઆતે ગ્રામીણ ભાવનમાં વ્યાપક સુધારા અટકાવી દીધા હતા.

નાયરના મતે, “ઓછા પ્રમાણમાં વૃદ્ધિ અને કોમોડિટીના ભાવમાં ઘટાડાથી કેટલાક ઔદ્યોગિક ક્ષેત્રોની નફાકારકતા પર અસર પડી હતી. હિટવેવને કારણે વિવિધ સેવા ક્ષેત્રોમાં લોકોની અવરજવરને પણ અસર થઈ હતી. જોકે આ સમયગાળા દરમિયાન વીજળીની માંગમાં નોંધપાત્ર વધારો થયો હતો.” નાયરે જણાવ્યું હતું કે, “સંતુલનના આધારે, અમે નાણાકીય વર્ષ 2025ના પહેલા ક્વાર્ટરમાં ભારતના GVA (ગ્રોસ વેલ્યુ એડેડ) અને GDP (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં અનુક્રમે 5.7 ટકા અને 6 ટકા વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.”