December 24, 2024

ગાઝાની શાળા પર હુમલો, 100થી વધુનાં મોત; ઇઝરાયલ પર આક્ષેપ

અમદાવાદઃ ગાઝામાં એક શાળા પર થયેલા હુમલામાં 100થી વધુ લોકોના મોતના અહેવાલ છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. આ હુમલાનો આરોપ ઈઝરાયલ પર લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ સ્કૂલમાં વિસ્થાપિત શરણાર્થીઓએ આશરો લીધો હતો. ઈઝરાયલી સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તેમણે હમાસના કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું છે.

મીડિયા રિપોર્ટ્સનો દાવો છે કે, ગાઝા શહેરના અલ-સહાબા વિસ્તારમાં અલ-તબાયિન સ્કૂલને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો હતો. ગાઝાના રાજ્ય મીડિયા અનુસાર, ઇઝરાયલી હવાઈ હુમલા દ્વારા શરણાર્થીઓને નિશાન બનાવવામાં આવ્યા જ્યારે લોકો ફજરની નમાજ અદા કરી રહ્યા હતા. શરૂઆતમાં કહેવાયું હતું કે, હુમલામાં 40 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. જો કે, બાદમાં મૃત્યુઆંક 100ને પાર કરી ગયો હતો. ઈઝરાયલની સેનાએ એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે, તેમણે હમાસના આતંકવાદીઓના કમાન્ડ સેન્ટરને નિશાન બનાવ્યું છે. ઈઝરાયલી સેનાએ કહ્યું કે, આતંકવાદીઓ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં ઈઝરાયલે ગાઝા અને હમાસના નેતાઓ પર જોરદાર હુમલા કર્યા હતા. થોડા દિવસો પહેલાં ગોલાન હાઇટ્સના ઇઝરાયલના કબજા હેઠળના વિસ્તારમાં હિઝબુલ્લાહ દ્વારા રોકેટ હુમલામાં 12 બાળકો માર્યા ગયા હતા. આ હુમલાના જવાબમાં ઈઝરાયલે બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરને મારી નાંખ્યો હતો. તેના 24 કલાક બાદ જ ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની પણ હત્યા કરવામાં આવી હતી. આ માટે ઈઝરાયલને પણ જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. હાનિયાની હત્યા બાદ ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ વધી ગયો છે અને ઈરાને ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી છે.

તાજેતરના હુમલાથી પશ્ચિમ એશિયામાં તણાવ વધવાની શક્યતા
અમેરિકાએ ઈઝરાયલની મદદ માટે પશ્ચિમ એશિયામાં તેના યુદ્ધ જહાજો અને ફાઈટર એરક્રાફ્ટ સ્ક્વોડ્રન પણ મોકલ્યા છે. દરમિયાન ગાઝામાં ઈઝરાયલના હુમલામાં 100થી વધુ લોકોનાં મોતના કારણે આ તણાવ વધુ ભડકી શકે છે.