ગૌતમ ગંભીર RCBના આ પૂર્વ બોલરને બનાવવા માંગે છે ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ
Gautam Gambhir: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગૌતમ ગંભીરને ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ નિયુક્ત કર્યા છે. બોર્ડને આશા છે કે ગંભીર આ પોસ્ટને ન્યાય આપવામાં માટે યોગ્ય છે જે પોસ્ટ પરથી રાહુલ દ્રવિડ T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાને જીતના સૂત્રધાર બન્યા હતા. ગંભીરનું હેડ કોચ બનવું ભારતના કોચિંગ સેટઅપમાં એકમાત્ર ફેરફાર નથી, પૂર્વ બોલિંગ કોચ પારસ મ્હામ્બરે, બેટિંગ કોચ વિક્રમ રાઠોડ અને ફિલ્ડિંગ કોચ ટી દિલીપે પણ ટીમ છોડી ચૂક્યા છે. હવે તેમના સ્થાને પણ નિયુક્તિ કરવાની છે અને ગંભીર પહેલા જ શરત મૂકી ચૂક્યા છે કે તેઓ પોતાનો સ્ટાફ જાતે પસંદ કરશે. KKRના સહાયક કોચ અભિષેક નાયર ગંભીરની પ્રાથમિકતાઓમાંથી એક છે અને કથિત રીતે ભારત અને રોયલ ચેલેન્જર્સ બેંગલોરના પૂર્વ ફાસ્ટ બોલર આર. વિનય કુમારને ટીમ ઈન્ડિયાના બ્લિંગ કોચ બનાવવા ઈચ્છે છે.
મીડિયા અહેવાલ મુજબ, ગૌતમ ગંભીરે BCCIને સહાયક કોચ તરીકે અભિષેક નાયર અને બોલિંગ કોચ તરીકે આર. વિનય કુમારના નામ સૂચવ્યા છે. ગંભીરના કોચ તરીકેનો કાર્યકાળ શ્રીલંકા સીરિઝની સાથે શરૂ થશે અને BCCIએ ગૌતમ ગંભીરની ભલામણો પર ટૂંકા ગાળામાં કાર્યવાહી કરવી પડશે. ઉલ્લેખનીય છે કે, ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના પૂર્વ હેડ કોચ રાહુલ દ્રવિડની જગ્યા લેવા માટેના પ્રબળ દાવેદાર હતા જેમનો કાર્યકાળ ગત મહિને બાર્બાડોઝમાં ટી20 વિશ્વકપમાં ભારતને ટાઇટલ જીતાડીને પૂર્ણ થયો છે.
ગૌતમ ગંભીરે BCCIના નિવેદનમાં કહ્યું, ‘આપણા ત્રિરંગા, આપણા લોકો, આપણા દેશની સેવા કરવી સન્માનની વાત છે. હું રાહુલ દ્રવિડ અને તેના સપોર્ટ સ્ટાફની ટીમને ટીમ સાથે તેમના અનુકરણીય રન માટે અભિનંદન આપવા માંગુ છું. ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચની ભૂમિકા નિભાવીને હું સન્માનિત અને ઉત્સાહિત છું. મારા રમતના દિવસો દરમિયાન હું હંમેશા ટીમ ઈન્ડિયાની જર્સી પહેરીને ગર્વ અનુભવ કરતો હતો અને જ્યારે હું આ નવી ભૂમિકા નિભાવીશ ત્યારે તે અલગ નહીં હોય.
ગંભીરે કહ્યું કે તે BCCI, નેશનલ ક્રિકેટ એકેડમીના ડાયરેક્ટર વીવીએસ લક્ષ્મણ, સપોર્ટ સ્ટાફ અને સૌથી મહત્વના ખેલાડીઓ સાથે કામ કરવા આતુર છે. ભારતીય કોચ તરીકે ગૌતમ ગંભીરનો પહેલું અસાઈન્મેન્ટ 27 જુલાઈથી શરૂ થતા ત્રણ T20I અને ત્રણ ODI માટે શ્રીલંકાનો પ્રવાસ હશે.
BCCI પ્રેસિડેન્ટ રોજર બિન્નીએ એક વિગતવાર નિવેદનમાં કહ્યું છે કે બોર્ડ પૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો ટીમ સાથેના શાનદાર પ્રદર્શન માટે ધન્યવાદ કરવા માંગે છે. ટીમ ઈન્ડિયા હવે નવા કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વમાં નવી સફર પર નીકળી છે. બોર્ડે કહ્યું કે અશોક મલ્હોત્રા, જતિન પરાંજપે અને સુલક્ષણ નાઈકની બનેલી ક્રિકેટ સલાહકાર સમિતિએ મંગળવારે સર્વસંમતિથી ગંભીરના નામની ભલામણ કરી હતી. BCCIએ 13 મેના રોજ આ પદ માટે અરજીઓ મંગાવી હતી.