December 22, 2024

અજીત પવાર જૂથમાં પડ્યું ગાબડું? શરદ પવારને મળવા પહોંચ્યા છગન ભુજબળ

Maharashtra Politics: મહારાષ્ટ્ર સરકારના મંત્રી છગન ભુજબળની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજીત પવાર) જુથ સાથેની નારાજગીની ચર્ચા છેલ્લા કેટલાય સમયથી હેડલાઇન્સ બની ચૂકી છે. હવે છગન ભુજબળ NCP(શરદ પવાર)ના પ્રમુખ શરદ પવારને મળવા તેમના નિવાસ સ્થાને પહોંચ્યા છે. છગન ભુજબળની પોતાના પૂર્વ નેતા સાથેથી આ ઓચિંતી મુલાકાતને લઈને હવે અટકળોનું બજાર ગરમ થઈ ગયું છે.

મુલાકાત માટે પહેલા જ લીધી હતી એપોઇન્ટમેન્ટ 

મળતી માહિતી મુજબ, છગન ભુજબળ અચાનક સોમવારે શરદ પવારને મળવા તેમના ઘર સિલ્વર ઓક ખાતે પહોંચ્યા હતા. જાણવા મળી રહ્યું છે ભુજબળે આ મુલાકાત માટે પહેલે થી જ સમય લઈ રાખ્યો હતો. છગન ભુજબળના શરદ પવારને મળવા પહોંચવાને લઈને હવે અટકળો શરૂ થઈ ગઈ છે કે તેઓ હવે પક્ષ પલટો કરી શકે છે. આ મુલાકાતને લઈને હજુ સુધી છગન ભુજબળ અથવા શરદ પવાર તરફથી કોઈ જ પ્રતિક્રિયા કે નિવેદન સામે આવ્યું નથી.

રાજ્યસભા ચૂંટણીમાં ઉમેદવારીને લઈને છગન ભુજબળ નારાજ 

છગન ભુજબળ રાજ્યસભા ચૂંટણીમાં પાર્ટી તરફથી અજીત પવારના પત્ની સુનેત્રા પવારને ઉમેદવાર બનાવવાને લઈને નારાજ હોવાનું કહેવાઈ રહ્યું છે. સુનેત્રા પવાર લોકસભા ચૂંટણીમાં બારામતી બેઠકથી NCP(અજીત પવાર)ની ટિકિટ પર ચૂંટણી મેદાને ઉતર્યા હતા. પરંતુ તેમને સુપ્રિયા સુલે સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

એક દિવસ પહેલા જ શરદ પવાર પર સાધ્યું હતું નિશાન
છગન ભુજબળે એક દિવસ પહેલા જ શરદ પવાર પર આકરા પ્રહારો કર્યા હતા. અનામતના મુદ્દે સીએમ એકનાથ શિંદે દ્વારા બોલાવવામાં આવેલી સર્વપક્ષીય બેઠકથી દૂર રહેવા બદલ છગન ભુજબળે શરદ પવાર પર નિશાન સાધતા કહ્યું હતું કે બારામતીથી ફોન આવ્યા બાદ એમવીએના નેતાએ બેઠકમાં હાજર ન રહ્યા. છગન ભુજબળની આ બેઠક અનામત અને સર્વપક્ષીય બેઠકની ચર્ચા સાથે સંબંધિત છે કે પછી પક્ષમાં ચાલી રહેલી ઊઠપટક સાથે સંકળાયેલ છે તે જોવું રહ્યું.