December 19, 2024

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈની અમેરિકામાં અટકાયત

Anmol Bishnoi Arrested: ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ હવે પોલીસ કસ્ટડીમાં છે. અમેરિકાની કેલિફોર્નિયા પોલીસે તેને પોતાની કસ્ટડીમાં લીધો છે. અમેરિકાના કેલિફોર્નિયામાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને મહારાષ્ટ્ર પોલીસ સહિતની ભારતીય એજન્સીઓ હવે તેના પ્રત્યાર્પણ અને ધરપકડ પર કામ કરી રહી છે.

બાબા સિદ્દીકી હત્યા કેસનો આરોપી છે
અનમોલ બિશ્નોઈ સામેની કાર્યવાહી એવા સમયે થઈ છે જ્યારે થોડા દિવસો પહેલા મુંબઈ પોલીસે જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સના નાના ભાઈ અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણ માટે પ્રસ્તાવ મોકલ્યો હતો. અનમોલ બિશ્નોઈ બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત કેટલાક હાઈપ્રોફાઈલ ગુનાઓમાં આરોપી છે. નોંધનીય છે કે, અનમોલ બિશ્નોઈને સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ અને બાબા સિદ્દીકી હત્યા કેસ સહિત કેટલાક હાઈ-પ્રોફાઈલ ગુનાઓમાં આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.

અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ છે
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ તાજેતરમાં અનમોલ બિશ્નોઈની ધરપકડ કરવા તરફ દોરી જનાર માહિતી માટે 10 લાખ રૂપિયાના ઈનામની જાહેરાત કરી હતી. અનમોલ બિશ્નોઈને 2022માં NIAના બે કેસમાં ચાર્જશીટ પણ કરવામાં આવી છે.

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ પ્રત્યાર્પણની માંગણી કરી હતી
ગયા મહિને, મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સ્પેશિયલ મહારાષ્ટ્ર કંટ્રોલ ઑફ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ એક્ટ (MCOCA) કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું હતું કે તે ભાગેડુ ગુનેગાર અનમોલ બિશ્નોઈના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરવા માંગે છે.