September 24, 2024

અમદાવાદ રેલ્વે સ્ટેશન પર આર્મીના જવાનો સાથે છેતરપિંડી આચરતા આરોપીની ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: અલગ અલગ રેલ્વે સ્ટેશન ઉપરથી મુસાફરો તેમજ આર્મીના જવાનોને ટાર્ગેટ કરતી ટોળકીના મુખ્ય સૂત્રધારની અમદાવાદ રેલવે પોલીસે ધરપકડ કરી છે. આ ટોળકી મુસાફરોને તેમજ આર્મીના જવાનોને ડુબલીકેટ નોટો બતાવી તેમની પાસેથી રોકડ તેમજ ATMમાંથી નાણાની ઉઠાંતરી કરતી હતી.

પોલીસની ગીરફતમાં આવેલો આરોપી આઝાદખાન ગુલામ હુસેન ખાન મૂળ દિલ્હીનો રહેવાસી છે અને દેશના અલગ-અલગ રેલ્વે સ્ટેશન ઉપર જઈને મુસાફરો સાથે અવનવા બહાના કાઢીને છેતરપિંડી કરતો હતો. ત્રણ આરોપીઓની ટોળકી છેતરપિંડી કરવા માટે કાર્યરત રહેતી જેમાંથી આઝાદ ખાન મુસાફરોને વાતોમાં ફોસલાવી સંબંધ કેળવતો હતો. તે દરમિયાન તેના બે સાથીદારો તેની સાથે આવી ડુપ્લીકેટ ચલણી નોટો ભરેલો થેલો બતાવી ભોગ બનનારને લાલચ આપતા હતા. તેના બદલામાં તેઓ ભોગ બનનારનો એટીએમ કાર્ડ તેમજ તેની પાસે રહેલી રોકડ રકમ પડાવી લેતા હતા. આરોપીઓ નક્કી કરેલી સ્ક્રીપ્ટ મુજબ રૂપિયા ભરેલો થેલો તેના શેઠને મારીને તેમજ ચોરી કરીને લાવ્યા હોવાનું ભોગ બનનાર પાસે રટણ કરતા હતા અને તેમને માત્ર ટિકિટના રૂપિયા આ થેલાના બદલે જોઈતા હોવાનું કહીને આરોપીઓ ગુનો આચરતા હતા.

આ પણ વાંચો: આ પાંચ ટિપ્સને ધ્યાનમાં રાખશો તો તમારું એસી ચોમાસામાં પણ રહેશે ઠંડા-ઠંડા, કૂલ-કૂલ’

આરોપીઓનો સોફ્ટ ટાર્ગેટ ભારતીય આર્મીના જવાનો તેમજ અર્ધલશ્કરી દળમાં ફરજ બજાવતા જવાનો રહેતા હતા. કારણ કે રેલ્વે સ્ટેશન ઉપર જવાનોની અવર-જવર વધુ રહેતી હતી તેમજ તેઓ સરળતાથી આરોપીઓની જાળમાં ફસાઈ જતા હતા. આરોપીઓ ગુનો આચરવા માટે ફ્લાઈટમાં તેમજ બસમાં આવતા હતા. રેલ્વે સ્ટેશન ઉપર ગુનો આચરવાનો હોવાના કારણે તેઓ ક્યારે રેલ્વેમાં મુસાફરી નહોતા કરતા. આરોપીઓ સામે અત્યાર સુધીમાં દિલ્હી, ઝાંસી અને ગુજરાતમાં અલગ-અલગ 14 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર આઝાદ ખાન અમદાવાદના કાળુપુર રેલવે સ્ટેશન ઉપર જ્યારે ગુનાને અંજામ આપવા માટે પહોંચ્યો ત્યારે અમદાવાદ રેલ્વે પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. જોકે તેના બે સાથીદારો રિયાઝ અને તમન્ના પોલીસને ચકમો આપવામાં સફળ રહ્યા હતા.

આ આરોપીઓએ દેશના અલગ-અલગ રેલ્વે સ્ટેશન ઉપર આવા 50થી વધુ ગુનાઓને અંજામ આપ્યો છે. જોકે ફરિયાદીઓની વ્યસ્તતાના કારણે મોટાભાગના ગુનાઓ અંગે ફરિયાદ દાખલ થઈ નથી. જેને લઈને અમદાવાદ રેલ્વે પોલીસે આવા ગુનાનો ભોગ બનેલા ફરિયાદીઓને સામે આવી ફરિયાદ કરવા માટે મદદ માંગી છે. આ સાથે જ આ ગેંગના ફરાર અન્ય બે આરોપીઓને ઝડપી પાડવા માટે પણ અમદાવાદ રેલવે પોલીસની અલગ-અલગ ટીમોને બનાવી તપાસ શરૂ કરવામાં આવી છે.