December 27, 2024

ગાંધીનગરમાં ભારે વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાં, મલાવ તળાવમાંથી 100 લોકોનું રેસ્ક્યૂ

ગાંધીનગરઃ જિલ્લાના દહેગામમાં અવિરત મેઘમહેર થઈ રહી છે. ત્યારે મળાવ તળાવ વિસ્તારમાંથી 100 લોકોનું રેસ્ક્યું કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ખજૂરી તલાવડી વિસ્તારમાંથી પોલીસે રેસ્ક્યૂ કર્યું છે. પોલીસ દ્વારા એક દર્દીનું ખાટલામાં રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સાબરમતી નદીમાં નવા નીરની આવક થઈ છે. ગાંધીનગરના સંત સરોવર ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. હાલ 3 દરવાજા ખોલવામાં આવ્યાં છે. સંત સરોવર ડેમના દરવાજા ખોલતા રાયસણ, ધોળાકુવા, શાહપુર, ઇન્દ્રોડા, ભાટ, ઇન્દિરા બ્રિજ સહિત અમદાવાદના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. સંત સરોવર ડેમમાંથી હાલ હજારો ક્યુસેક જથ્થામાં પાણી છોડાયું છે.

જિલ્લા કલેક્ટર મેહુલ દવેએ વરસાદ અંગે જણાવ્યુ છે કે, ‘સરકારી તંત્ર દ્વારા તમામ પ્રકારની કાળજી લેવાઈ રહી છે. કમિશનર, કલેક્ટર અને DDOની ટીમ સતત કાર્યરત છે. વધુ પાણીવાળા વિસ્તારમાં જતા ટાળવા વિનંતી કરી છે. નદી કાંઠાના તમામ ગામોમાં તંત્ર દ્વારા સાવચેત કરવામાં આવી છે.