January 16, 2025

દશામાની મૂર્તિ પધરાવવા ગયેલા 3 વ્યક્તિ સાબરમતીમાં ડૂબ્યાં

ગાંધીનગરઃ દશામાના વ્રતનો ગઈકાલે છેલ્લો દિવસ હતો. ત્યારે વ્રત કરનારા લોકો દશામાની મૂર્તિ નદી-કેનાલમાં પધરાવવા માટે જતા હતા. ગાંધીનગરમાં દશામાની મૂર્તિના વિસર્જન વખતે દુર્ઘટના બની હતી. જેમાં ત્રણ લોકો નદીમાં ડૂબી ગયા છે.

મળતી માહિતી પ્રમાણે, સેક્ટર 30મા દશામાની મૂર્તિ પધરાવવા જતા ત્રણ લોકો ડૂબી ગયા છે. સાબરમતી નદીમાં 5 લોકો મૂર્તિ પધરાવવા માટે ગયા હતા. ત્યારે પાંચેય ડૂબવા લાગ્યા હતા. તે સમયે ત્યાં હાજર ફાયરવિભાગે 5માંથી 2 વ્યક્તિને બચાવી લીધા હતા. જ્યારે ત્રણ વ્યક્તિ નદીમાં ગરકાવ થઈ ગયા હતા.

ફાયરવિભાગે ત્રણેય લોકોના મૃતદેહ શોધી કાઢ્યા છે. આ ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

નદીમાં ડૂબેલા વ્યક્તિનાં નામ

  • અજયભાઈ વણજારા
  • ભારતીબેન પ્રજાપતિ
  • પૂનમબેન પ્રજાપતિ