November 17, 2024

રૂપાલ ગામ ખાતે નીકળી વરદાયિની માતાની પલ્લી, મોટી સંખ્યામાં ભક્તોએ લીધો દર્શનનો લ્હાવો

ગાંધીનગર: રૂપાલ ખાતે વરદાયિની માતા દેવસ્થાન ખાતે ઐતિહાસિક પલ્લીનું આયોજન કરવામાં આવે છે. ત્યારે રૂપાલ ગામ ખાતે વરદાયિની માતાજી પલ્લી પરંપરાગત રીતે નીકળી હતી. વર્ષો જૂની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવવામાં આવ્યું. આ વર્ષે પલ્લી પર હજારો ટન ઘીનો અભિષેક કરવામાં આવ્યો હતો. આ પલ્લીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા.

રૂપાલમાં વર્ષોની પરંપરા મુજબ આસો સુદ નોમના દિવસે આજે વરદાયિની માતાજીની પલ્લીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 12 વાગ્યે માતાજીની પલ્લી પરંપરાગત રીતે નીકળી હતી. વર્ષો જૂની પરંપરા પ્રમાણે પલ્લીમાં ઘી ચડાવવામાં આવ્યું. પલ્લી દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહે છે. મોડી રાતે યાત્રાની શરૂઆત રૂપાલ ગામના મધ્ય વિસ્તારથી થાય છે. જે યાત્રા વહેલી સવારે નિજ મંદિર ખાતે પૂર્ણ થાય છે. પલ્લી યાત્રા પર ઘીનો અભિષેક કરવાનો મહિમા છે.

મળતી માહિતી પ્રમાણે, ગાંધીનગર જિલ્લામાં આવેલા રૂપાલ ગામ ખાતે યોજાતી યાત્રામાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ યાત્રાને લઈ પોલીસની ટીમ દ્વારા રૂપાલ ગામ ખાતે 40 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા.

દેશભરમાં માતા વરદાયિનીની પલ્લી પ્રખ્યાત છે. આ પલ્લીમાં હજારો-લાખો લીટર ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લી એટલે માતાજી માટે લાકડાનો ઘોડા વગરનો રથ. સૌથી પહેલા પાંડવોએ સોનાની પલ્લી બનાવી હતી. ત્યારબાદ પાટણના રાજાએ ખીજડાના લાકડામાંથી પલ્લી બનાવી હતી. હવે રૂપાલ ગામના દરેક સમાજના લોકો સાથે મળીને પલ્લી બનાવે છે.

આ પણ વાંચો: મોહન ભાગવતે કરી શસ્ત્ર પૂજા, જાણો દશેરાએ કેમ શસ્ત્રની પૂજા કરે છે સંઘ

કહેવાય છે કે, રૂપાલ ગામની પલ્લી યાત્રાની પરંપરા છેલ્લા 5 હજાર વર્ષથી ચાલી આવી રહી છે. પાંડવો એ અજ્ઞાત વાસ દરમિયાન તેમના શસ્ત્રો રૂપાલ ગામ ખાતે છુપાવ્યા હોવાનો ઇતિહાસ છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થતાં તેમને સૌ પ્રથમ પલ્લી યાત્રા કરી વરદાયિની માતાની વિશેષ પૂજા કરી હતી. વરદાયિની માતાનાં મંદિરે નિ:સંતાન દંપતી માનતા રાખે તે પૂર્ણ થતી હોવાની માન્યતા છે. નોમની રાતે પલ્લી યાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા અને વરદાયિની માતા સમક્ષ શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા.