January 15, 2025

ગાંધીનગર પોલીસે ચોરીના કુલ 230 ફોન રિકવર કર્યા

મલ્હાર વોરા, ગાંધીનગર: ગાંધીનગર જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી મોબાઈલ ચોરી જવાની ઘટના ખૂબ જ બનતી હતી. આ ઉપરાંત રાજ્ય સહિત દેશમાં પણ મોબાઈલ ચોરી થઈ જાય તો અરજદારે સેન્ટ્રલ ઇક્યુમેન્ટ આઈડેન્ટી રજીસ્ટર પોર્ટલ ઉપર જઈને પોતાના મોબાઈલ ફોનની વિગતો ભરવાની રહેશે, ત્યારબાદ જે તે વિસ્તારનું સ્થાનિક પોલીસ તંત્ર આ મામલે તપાસ શરૂ કરશે, જોકે આ પોર્ટલના માધ્યમથી ગાંધીનગર પોલીસ દ્વારા ગાંધીનગર જિલ્લામાંથી ચોરાયેલા 230 ફોન રિકવર કરવામાં આવ્યા છે.

દેશ સહિત ગુજરાત રાજ્યમાં મોબાઈલ ફોન ચોરાઈ જાય અથવા તો ગુમ થઈ જાય તે માટે ગૃહ વિભાગ દ્વારા સેન્ટ્રલ ઇક્યુમેન્ટ આઈડેન્ટી રજીસ્ટર પોર્ટલ અમલમાં મુકેલ છે આ પોર્ટલના માધ્યમથી અરજદાર પોતાના ફોનની વિગત જેમ કે ફોનનો મોડલ નંબર ,આઈએમઇઆઈ નંબરના માધ્યથી ફોનની વિગતો પોર્ટલ ઓર ભરવાની રહેશે, ત્યારબાદ અરજદારે પોતાનું સીમકાર્ડ જે તે કંપનીનું પણ બંધ કરાવવાનું રહેશે, ત્યારબાદ આ ફોનની વિગત પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે જો કે ગાંધીનગર પોલીસને જિલ્લામાંથી મોબાઈલ ચોરી થવાની અનેક ફરિયાદો મળી હતી જેના પરિપક્ષમાં આ પોર્ટલ પર મોટા પ્રમાણમાં અરજીઓ મળતા ગાંધીનગર પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. જેના પગલે ગાંધીનગર પોલીસને આ પોર્ટલનો ઉપયોગથી કુલ 215 ફોન મળી આવ્યા હતા.

ગાંધીનગર જિલ્લાના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી પત્રકાર પરિષદ કરતા જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લામાં ગુમ થયેલ ચોરાયેલા મોબાઈલની રિકવરીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ગુજરાત બહારના રાજ્યોમાં મોબાઇલ ટ્રેસ થતા જ ગાંધીનગર એલસીબી વન અને એલસીબી ટુ તેમજ અન્ય પોલીસ સ્ટેશન દ્વારા અલગ અલગ ટીમ તૈયાર કરીને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન તથા મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં મોકલીને તપાસ કરતા કુલ 11 મોબાઈલ ગુનાના કામે તથા અન્ય મોબાઇલ ગુમ અરજી ના કામે મળી આવ્યા હતા, જોકે ગાંધીનગર જિલ્લાના વિવિધ પોલીસ મથક જેવા કે અડાલજ 45, ડભોડા ના 14, કલોલ શહેરના 50, માણસા 10, પેથાપુર ત્રણ, રખિયાલ 6, મોટા ચિલોડા 9, સેકટર 7 પોલીસ મથકના 13, સેક્ટર 21 પોલીસ મથકના 9, દેહગામ 18, ઇન્ફોસિટી 38 તથા કલોલ તાલુકાના આઠ એમ મળીને કુલ 230 મોબાઈલ ફોન રિકવર કરવામાં આવ્યા છે.

હાલ ગાંધીનગર એસપીના જણાવ્યા અનુસાર, ગુમ થયેલ તથા ચોરી થયેલા ફોનની કુલ કિંમત 30,24,83 રૂપિયા હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે. હાલ ગાંધીનગર પોલીસે આ તમામ મોબાઇલ ફોન પોતાના કબ્જે કરીને ફરિયાદના આધારે અરજદારોને જે તે પોલીસ મથકે જે તે પોલીસ મથક ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જે જે આરોપીએ ફોન ચોરી કર્યા હતા અને અન્ય મોબાઇલ દુકાનોમાં વેચી દીધા હતા તેવા આરોપીની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે.