November 24, 2024

લાયબ્રેરિયનોએ 95મી વખત સરકારને ભરતી કરવા આવેદન પત્ર આપ્યું!

મલ્હાર વોરા, ગાંધીનગરઃ દેશના હાલના વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2010માં સ્વર્ણિય જયંતિમાં વાંચે ગુજરાત અભિયાન હાથ ધર્યું હતું. પરંતુ હાલ જાણે આ અભિયાન નામ પૂરતું રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. રાજ્ય સરકારે છેલ્લા 33 વર્ષથી રાજ્યમાં લાયબ્રેરિયનની એકપણ ભરતી કરી નથી. ત્યારે આજે ગાંધીનગર ખાતે મોટી સંખ્યામાં લાયબ્રેરિયન ઉમેદવાર સચિવાલય એકત્ર થઈને રાજ્ય સરકારને 95મી વખત આવેદનપત્ર આપીને ભરતીની માગ કરી હતી.

ગુજરાત રાજયનું બાળક વાંચનમાં આગળ રહે તે હેતુથી રાજ્યના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા વર્ષ 2010માં વાંચે ગુજરાત અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ ત્યારબાદ રાજયમાં વાંચે ગુજરાતના કોઈપણ કાર્યકમ યોજાયા નથી. મહત્વનું એ છે કે, રાજ્ય સરકારે છેલ્લા 33 વર્ષથી રાજ્યની સરકારી શાળાઓ, કોલેજમાં પણ એકપણ લાયબ્રેરિયનની ભરતી કરી નથી. ઉમેદવાર દ્વારા વારંવાર સરકાર સમક્ષ રજૂઆત કરી છે. છતાંય સરકાર આગામી સમયમાં ભરતી કરવામાં આવશે તેવું આશ્વાસન ઉમેદવારને આપી રહ્યા છે.

આ પણ વાંચોઃ સાંસદ રાજેશ ચુડાસમા ફરી વિવાદમાં, ધમકી આપવા મામલે FIR દાખલ

ગાંધીનગરમાં મોટી સંખ્યમાં લાયબ્રેરિયન ઉમેદવાર ભરતી મુદ્દે રજૂઆત કરવા માટે આવ્યા હતા. તેમાં ઉમેદવાર સરકાર ઉપર આક્ષેપ લગાવતા જણાવ્યું હતું ,કે આત્યાર સુધી ભરતી માટે સરકારને 95 વખત આવેદનપત્ર આપ્યા છે. સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ છેલ્લા 10 વર્ષથી ફાઈલ ગોળગોળ ફેરવી રહ્યા છે. હજુ સુધી ફાઈલ પર મંજૂરી આપવામાં આવી નથી, જેથી હવે ઉમેદવારની ધીરજ ખૂટી રહી છે. આગામી દિવસોમાં ઉમેદવાર આ મામલે હાઈકોર્ટેમાં પિટિશન દાખલ કરશે. રાજ્યવ્યાપી આંદોલન કરશે.

આ પણ વાંચોઃ કુવૈતમાં અટકાયત કરાયેલો યુવાન વતન પહોંચ્યો, કહ્યુ – સાત દિવસ જેલમાં રહ્યો

આ ઉપરાંત ઉમેદવારે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના પાડોશી રાજ્યોમાં મોટા પ્રમાણે લાયબ્રેરિયનની ભરતી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં હાલ 8 હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. જેની સામે 14 હજાર જેટલા ઉમેદવાર રાહ જોઇને બેસી રહ્યા છે.