January 15, 2025

ગાંધીનગરમાં ધોળા દિવસે અપહરણ બાદ હત્યા, પત્ની-પ્રેમી સહિત 4ની ધરપકડ

ગાંધીનગરઃ જિલ્લાના કોટેશ્વર ગામ પાસે ધોળા દિવસે યુવાનનું અપહરણ કરવાની ઘટના સામે આવી છે. અપહરણ કર્યા બાદ આરોપીઓએ યુવાનને કેનાલમાં ધક્કો મારી તેની હત્યા કરી નાંખી હોવાનું પોલીસે જણાવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે, મૃતકની પત્નીએ તેના સાગરીતો સાથે મળીને અપહરણ કરી પતિની હત્યા કરી છે. અપહરણ કરતા પહેલાં મૃતક ભાવિકની એક્ટિવાને ટક્કર મારવામાં આવી હતી અને ત્યારબાદ તેનું ધોળા દિવસે જાહેર રસ્તા પરથી અપહરણ કરવામાં આવ્યું છે. આરોપી પાયલ કલ્પેશ નામના યુવક સાથે પ્રેમસંબંધ ધરાવતી હતી. ત્યારે યુવાન ક્યાં આવવાનો છે, તેની સીધી માહિતી પાયલે તેના પ્રેમી અને સાગરીતને આપી હતી.

યુવાનનું અપહરણ કરીને યુવાનને કરાઈ કેનાલ પાસે લઈ જવામાં આવ્યો હતો. ત્યારબાદ કેનાલમાં ભાવિકને ધક્કો માર્યો હતો. ત્યારે પોલીસે આ મામલે કેનાલ પાસે પહોંચી તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ફાયરવિભાગને પણ આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક તરવૈયા સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતકની શોધખોળ હાથ ધરી હતી.

આ સમગ્ર મામલે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. પોલીસે પાયલ દંતાણી, કલ્પેશ ચુનારા, શેલશ ચુનારા, સુનિલ ચુનારા સહિત અન્ય આરોપીની ધરપકડ કરી છે. આ મામલે પ્રાથમિક તપાસ પૂર્ણ થયા બાદ વધુ વિગત સામે આવશે.