આરોગ્ય કર્મચારીઓનું પડતર માગણીને લઈને વિરોધ પ્રદર્શન, 600થી વધુ કર્મીઓની અટકાયત

ગાંધીનગરઃ આરોગ્ય કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ગાંધીનગરમાં પડતર માગણીઓને લઈને આરોગ્ય કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે. ત્યારે પોલીસે વિરોધ કરવા માટે એકત્ર થયેલા કર્મચારીઓની અટકાયત કરી છે. રાજ્ય આરોગ્ય કર્મચારી મહામંડળના પ્રમુખ રણજીતસિંહ મોરીની પણ અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધીમાં 600થી વધુ આરોગ્ય કર્મચારીઓની અટકાયત કરવામાં આવી છે.

ગઈકાલે સરકારે હડતાલ સામે એસ્મા લાગુ કર્યો હતો. ત્યારે આ મામલે રણજીતસિંહ મોરી જણાવે છે કે, ‘સરકાર એસ્મા લાગુ કરે છે, પણ અમારી માગણીઓ અંગે ઠરાવ કરતી નથી. જ્યાં સુધી ઠરાવ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. ગ્રેડ પે, બઢતી, ખાતાકીય પરીક્ષામાંથી મુક્તિ અને ટેક્નિકલ કેડરમાં સમાવવા મુખ્ય માગણી કરવામાં આવી છે. સરકાર એસ્મા લગાવી આરોગ્ય કર્મીઓને સસ્પેન્ડ કે ડિસમિસ કરે એ અમને મંજૂર છે.’

આરોગ્ય કર્મીઓ વિવિધ માગ સાથે સચિવાલય પર વિરોધ કરશે. ત્યારે સચિવાલય ગેટ 1 પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. આરોગ્ય કર્મીઓના વિરોધને લઈ પોલીસે બેરીકેટિંગ કર્યું છે. સચિવાલયમાં જતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આરોગ્ય કર્મચારી મહાસંઘના આગેવાનો મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશે.

રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓનું ‘ચાલો ગાંધીનગર’ આંદોલન શરૂ થવાનું હતું. જેમાં 33 જિલ્લાના ચાર કેડરના કર્મચારીઓ વ્યક્તિગત આવેદનપત્ર મુખ્યમંત્રીને પાઠવશે. અગાઉ સરકાર સાથે બેઠક નિષ્ફળ જતા આંદોલન યથાવત રાખ્યુ હતું. રાજ્યના 25 હજાર આરોગ્યકર્મીઓ આ આંદોલનમાં જોડાશે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ રણજીતસિંહ મોરીએ અગાઉ આવેદનપત્ર આપ્યું હતું.

કર્મચારીઓની મુખ્ય માગણી ગ્રેડ પે વધારવાની હતી. ટેક્નિકલ ગ્રેડ પે બાબતે તમામ ફાઈલ પોઝિટિવ આવી ગયો છે. આરોગ્ય ક્ષેત્રે ગુજરાત દેશમાં આગળ પણ ગ્રેડ પે સૌથી નીચે છે. 1900થી 2800 અને અન્ય 2400થી 4200 ગ્રેડ પે કરવાની માગ છે. ખાતાકીય પરીક્ષા રદ કરવા ટેક્નિકલ કેડરમાં સમાવેશ સહિતના પડતર પ્રશ્નોની માગ છે.