સરકારની વ્યાજખોરો સામે લાલ આંખ, સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત 226 લોકો સામે ફરિયાદ
મલ્હાર વોરા, ગાંધીનગરઃ વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે. વ્યાજખોરો પર લગામ લગાવવા ગુજરાત પોલીસની કડક કાર્યવાહી હાથ ધરીને 226 વ્યાજખોરો સામે 134 એફઆઇઆર દાખલ કરી છે. જ્યારે અનધિકૃત વ્યાજખોર પોલીસ કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ સામે ખોટો કેસ ન થાય તેની ખાસ તકેદારી સાથે કાર્યવાહી કરવા મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીએ સૂચના આપી છે.
વ્યાજખોરો અને તેના વિષચક્રમાં ફસાઈ ચૂકેલા સામાન્ય નાગરિકોને આ ચુંગાલમાંથી મુક્ત કરાવવા રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ ગૃહ રાજ્યમંત્રીની સૂચનાથી ગુજરાત પોલીસ દ્વારા 21 જુલાઈ, 2024થી રાજ્યભરમાં તમામ શહેર/જિલ્લામાં નાણાં ધીરધાર અધિનિયમ-2011 અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. 31 જુલાઈ, 2024 સુધી ચાલનારી આ ડ્રાઇવ અંતર્ગત તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજી તલસ્પર્શી તપાસ સાથે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
રાજ્યભરમાં વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહેલી આ સ્પેશિયલ ડ્રાઇવમાં અત્યાર સુધીમાં 134 એફઆઇઆર દાખલ કરવામાં આવી છે. જેમાં 226 આરોપીઓ સામે ગુના દાખલ થયા છે. પોલીસે શરૂ કરેલી કાર્યવાહીથી અનેક નાગરિકોના જીવન બચ્યાં છે. તો અનેકને ફસાઈ ચૂકેલી જીવનભરની મૂડી પરત મળી છે. અનઅધિકૃત એકપણ વ્યાજખોર પોલીસની કડક કાર્યવાહીથી બચે નહીં અને કોઈ નિર્દોષ વ્યક્તિ સામે ખોટો કેસ ન થઈ જાય તેની ખાસ તકેદારી સાથે સમગ્ર કાર્યવાહી કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગુજરાત પોલીસને સૂચના આપવામાં આવી છે.
ગત 21મી જુનથી અત્યાર સુધીમાં રાજ્યભરમાં યોજાયેલા 568 લોકદરબારમાં 32 હજારથી વધુ નાગરિકો જોડાયાં છે. આ લોક દરબારમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા નિર્દોષ લોકોએ પોલીસ સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. આ લોકદરબારમાં પોલીસ મહાનિરીક્ષક, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક કક્ષાના ઉચ્ચ અધિકારીઓએ વ્યાજખોરોના દબાણથી પરેશાન નાગરિકોની વેદના ખૂબ જ ધ્યાનથી સાંભળી અને તે લોકોની વચ્ચે ગયા અને તેમની ફરિયાદોના નિકાલ માટે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરી છે.
દેશમાં કેન્દ્ર સરકાર જનસામાન્ય માટે અનેક ઉપયોગી યોજનાઓ ચલાવે છે. આ તમામ યોજનાઓની જાણકારીના અભાવે જ ઘણીવાર જનતા લેભાગુ તત્વોના ચુંગાલમાં ફસાય છે. નાણાં ધીરધારાઓ આવી જ જાગૃતિના અભાવનો ફાયદો ઉઠાવે છે. લઘુથી માંડીને મોટા વેપાર માટે પણ કેન્દ્ર સરકારની સ્વનિધિ કે મુદ્રા યોજનામાં સાવ નજીવા દરે અને સબસિડીના લાભ સાથે નાણાં આપવામાં આવે છે. પરંતુ જાણકારીના અભાવે લોકો વ્યાજખોરો પાસેથી નાણાં લે છે. તેથી સામાન્ય પ્રજાને લોન-ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો અને સહકારી બેન્કોના પ્રતિનિધિઓ તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંકલન કરી લોનધિરાણ અપાવવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે.