ગાંધીનગરમાં સરકારી કર્મચારીઓનું આંદોલન, ખેંચતાણ બાદ અટકાયત
મલ્હાર વોરા, ગાંધીનગરઃ શહેરમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ રસ્તા વચ્ચે ઉતરીને જૂની પેન્શન યોજના લાગુ કરવા અને ફિક્સ વેતનપ્રથા દૂર કરવાની માગ સાથે મુખ્યમંત્રી કાર્યલાય સુધી જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ કર્મચારીઓ નવા સચિવાલય તરફ આગળ વધે તે પહેલાં પોલીસ દ્વારા સરકારી કર્મચારીઓને રોકીને તેમની અટકાયત કરવામાં આવી હતી. જો કે, અટકાયત દરમિયાન કર્મચારીઓ અને પોલીસ વચ્ચે ખેંચાખેચીના દ્રશ્યો જોવા મળ્યા હતા.
રાજ્યમાં વર્ષ 2005થી જૂની પેન્શન યોજના બંધ કરી દેવામાં આવી છે. જો કે, જૂની પેન્શન યોજના બંધ કરીને રાજ્યમાં સરકારી કર્મચારીઓ માટે એટલે કે વર્ષ 2005 પછીની ભરતીના તમામ કર્મચારીઓને જૂની પેન્શનના બદલે એનપીએસ યોજના અમલી કરી છે. જો કે, સરકારી કર્મચારીઓ nps યોજનાનો વિરોધ કરીને ops શરૂ કરવાની માગ કરી રહ્યા છે. ત્યારે ગત વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી દરમિયાન ops મામલે કર્મચારીઓ આંદોલન ચલાવ્યું હતું. જેમાં સરકાર પાંચ મંત્રીઓની એક કમિટી બનાવી હતી. આ કમિટી દ્વારા નિર્ણય કરીને વર્ષ 2005 પહેલાં અને તે વર્ષની ભરતીના કર્મચારીઓને ops આપવામાં આવશે તેવી બાંહેધરી આપી હતી. પરંતુ આજ દિન સુધી સરકાર આ મુદ્દે કોઈ જાહેરાત અથવા તો ઠરાવ જાહેર કર્યો નથી. જેથી હાલ લોકોસભાની ચૂંટણી દરમિયાન કર્મચારીઓ ફરી વખત આંદોલન વેગ બનતું કર્યું છે.
ગત 6 માર્ચે opsને લઇને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળઅને ગુજરાત રાજ્ય સંયુક્ત મોરચા દ્વારા પેન ડાઉન કાર્યકમ યોજવામાં આવ્યો હતો. જો કે આ કાર્યકમની સરકાર પર એટલી બધી અસર થઈ ન હતી. પરંતુ કર્મચારીઓ હાર સ્વીકાર્યા વગર ops મામલે 15 માર્ચે મુખ્યમંત્રી આવેદનપત્ર પત્ર આપવાનો કાર્યકમ જાહેર કર્યો હતો. આ કાર્યકમમાં મોટી સંખ્યામાં શિક્ષકો સહિત કર્મચારીઓ ઉમટી પડ્યા હતા.
તમામ કર્મચારીઓ ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે એકત્રિત થયા હતા. કર્મચારીઓ રેલી સ્વરૂપે સચિવાલય તરફ પગપાળા શરૂ કરતા પોલીસે તેમને જુના સચિવાલય પાસે કોર્ડન કરી દીધા હતા. કર્મચારીઓ opsની માગ લઈને પોલીસની રણનીતિ એક તબક્કે ખોટી સાબિત થઈ હતી. કર્મચારીઓમાં opsને લઈને આક્રોશ વધતા પોલીસવાન, પોલીસ ગાડીઓ સહિત રસા તૈનાત કરીને સચિવાલય તરફ જતો માર્ગ બ્લોક કરી દીધો હતો. ત્યારબાદ પોલીસે એક પછી એક હોદ્દેદારો, આગેવાનો સહિત કેટલાક કર્મચારીઓ અટકાયત કરીને ટોળું વિખેરવાનું શરૂ કર્યું હતું.