December 22, 2024

મતદારોને મતદાન કર્યા બાદ ઘરે જવા મળશે ફ્રી સવારી, ગાંધીનગર ચૂંટણી પંચની નવી પહેલ

મલ્હાર વોરા, ગાંધીનગરઃ રાજ્યમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થાય તે પહેલાં એક ખાનગી બાઇક ટેક્સી રાઇઝ્ડ દ્રારા ચૂંટણી પંચ સાથે MOU કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાત રાજ્યના પાંચ શહેરોમાં મતદાન કર્યા બાદ મતદારોને ઘરે જવા માટે ખાનગી કંપની બાઇક અને ટેક્સી રાઇઝ્ડ દ્રારા તેમને ઘરે ડ્રોપ કરવામાં આવશે.

દેશમાં લોકશાહી માળખાને મજબૂત કરવાની કટિબદ્ધતા સાથે ભારતની અગ્રણી કોમ્યુટ એપ રેપિડો ‘સવારી જીમ્મેદારી કી’ પહેલ લોન્ચ કરવા સાથે રાષ્ટ્ર પ્રત્યેની ફરજમાં એક મહત્વની ભૂમિકા ભજવી રહી છે. ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી સાથે સહયોગ કેળવીને રેપિડો ભારતની લોકસભા ચૂંટણી 2024 દરમિયાન નાગરિકોની સહભાગીતાને વધારવા માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. આ પ્રયત્નના ભાગરૂપે રેપિડોએ 7મી મેના રોજ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત અને આણંદ જેવા મહત્વના શહેરોને આવરીને સમગ્ર ગુજરાતમાં મતદાતાઓને મતદાન કર્યા બાદ ઘેર જવા માટે ફ્રી બાઈક ટેક્સી રાઈડ એટલે કે વિનામૂલ્યે બાઈક ટેક્સીની સવારની સુવિધા પૂરી પાડવાનો સંકલ્પ લીધો છે.

આ ઉપરાંત રેપિડોએ સૌથી મોટા લોકશાહી ઉત્સવમાં લોકોને મતદાન માટે પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના મુખ્ય ચૂંટણી કાર્યાલય સાથે MOU કર્યા છે. જેમાં ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી હાજર રહ્યા હતા. ચૂંટણીના દિવસે મતદાતા મતદાન કર્યા બાદ શાહીવાળી આંગળી બતાવીને ‘VOTENOW’ કોડનો ઉપયોગ કરી રેપિડો એપ પર ફ્રી રાઈડ્સની સુવિધા મેળવી શકે છે અને લોકશાહી અધિકારનો ઉપયોગ કર્યાં બાદ ઘરે જેવા આ ફ્રી રાઈડ્સ મેળવી શકશે. જેમાં ચૂંટણીના દિવસે ફ્રી રાઈડ ઉપલબ્ધ કરાવવા માટે 100થી પણ વધારે શહેરોમાં 10 લાખથી વધુ કેપ્ટનને કામે લગાડવામાં આવ્યા છે.

ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ જણાવ્યું હતું કે, રેપિડો અને અમારી કચેરી વચ્ચે ભાગીદારી વધુ સમાવેશી અને જીવંત લોકશાહીને પ્રોત્સાહન આપવાની અમારી સામૂહિત ભાગીદારીને દર્શાવે છે. ભારતની સામાન્ય ચૂંટણી 2024 દરમિયાન મતદાતાઓની સહભાગીતા તથા સામેલગીરીને વધારવા માટે તેમના દ્વારા કરવામાં આવી રહેલા સક્રિય પ્રયાસો બદલ અમે રેપિડોની પ્રશંસા કરી છીએ. ‘સવારી જીમ્મેદારી કી’ અભિયાન જેવી ઉમદા પહેલ લોકશાહીના મૂલ્યોને પ્રોત્સાહન આપવામાં અત્યંત મહત્વની ભજવે છે.