આજથી અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો પ્રારંભ
બનાસકાંઠાઃ આજથી અંબાજીમાં ગબ્બર પર્વત પર આગામી પાંચ દિવસ સુધી ગબ્બર પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થશે. અંબાજીમાં આજથી શરૂ થનારી આ પરિક્રમા મહોત્સવને લઈને સ્થાનિક તંત્ર દ્વારા ત્યાં આવનાર ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચ દિવસ ચાલનારી આ પરિક્રમા દરમિયાન વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.
માઈભક્તો એક સાથે 51 શક્તિપીઠના દર્શન કરશે
કલેક્ટર અરુણ બરણવાલના હસ્તે ગબ્બર પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવશે. પરિક્રમાના પ્રથમ દિવસે વિવિધ કાર્યક્રમો યોજાશે. પાલખીયાત્રા, શંખનાદ, શક્તિયાગનો સહિત વિવિધ કાર્યક્રમ યોજાશે. પરિક્રમા દરમિયાન આનંદ ગરબા, ભજન-સત્સંગ, મહા આરતી પણ યોજાશે. ગબ્બર પરિક્રમામાં ભાગ લેનારા માઈભક્તો એક સાથે 51 શક્તિપીઠના દર્શન કરશે. દર વર્ષે યોજાતી ગબ્બર પરિક્રમામાં હજારો લાખો માઈભક્તો દેશના ખૂણે-ખૂણેથી આવતા હોય છે. માઈભક્તો માટે પરિક્રમા પથ પર વિવિધ સેવા કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જય જલિયાણ સેવા કેમ્પ દ્વારા અલ્પાહારનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા સુરક્ષાને લઈને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.
ગબ્બર પર્વત પર 11 લાખ દીવાઓની મહાઆરતી
તા. 12થી 16 ફેબ્રુઆરી દરમિયાન અંબાજીમાં આયોજિત 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં શ્રદ્ધાળુઓ માટે ગબ્બર ખાતે અયોધ્યામાં નવનિર્મિત શ્રી રામ મંદિરનો ટેબ્લો પણ મૂકવામાં આવશે. પરિક્રમા મહોત્સવ દરમિયાન ગબ્બર પર્વત પર 11 લાખ દીવાઓની મહાઆરતી પણ કરવામાં આવશે. આ મહારતીનો લાભ દરેક શ્રદ્ધાળુઓને મળે તેવું સુચારું આયોજન તંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. સાથે જ ગબ્બર પર્વતની તળેટી પર દરરોજ સાંજે બાળકો દ્વારા મા અંબાની નમામિ અંબે આરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આમ, પાંચ દિવસ ચાલનારી ગબ્બર પરિક્રમા મહોત્સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને તંત્ર દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે.