January 18, 2025

નિયમોનું ઉલ્લંઘન અને માતમ: તક્ષશિલાથી લઇ Rajkot TRP મોલમાં બાળકોનો ભોગ લેવાયો

Ahmedabad: ગુજરાતમાં વારંવાર આગની ભીષણ ઘટનાઓ સામે આવતી રહે છે અને આ આગની ઘટનાઓમાં નાના ભૂલકાઓથી લઇ પૌઢોનો ભોગ લેવાય છે. પછી ભલે તે સુરતની તક્ષશિલા હોનારત હોય કે પછી બે મહિના અગાઉ અમદાવાદના બોપલમાં આવેલ TRP મોલમાં લાગેલી ભીષણ આગ હોય. તંત્ર પોતાનું કામ ન કરે. સરકારી વિભાગો ગેરકાયદેસર બનેલા એકમો, ફેક્ટરીઓ અને લોભામણી સ્કિમો આપી ભીડ ભેગી કરતા મોલ પર પણ નજર રાખી શક્તા નથી અને પછી બને છે રાજકોટના TRP ગેમ ઝોન જેવી ઘટના બને છે. જેમાં નાના બાળકોનો ભોગ લેવાઇ જાય છે. આજે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગે 9 જેટલા લોકોનો જીવ લીધો છે અને મોતનો આંકડો હજુ પણ વધી શકે છે. ત્યારે સવાલ એ થાય છે કે તંત્ર આવા એકમો પર એક્શન ક્યારે લેશે જેઓ નિયમોનું ઉલ્લંઘન કરીને પૈસા કમાવવા માટે ભીડ એકઠી કરે છે અને આવી હોનારતોને આમંત્રણ આપે છે.

આજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ ભીષણ આગના ગોટેગોટા પાંચ કિલોમીટર દૂર સુધી દેખાયા હતા. પોતાના બાળકોને વેકેશનની મજા માણવા મોલમાં મોકલનારા તમામ વાલીઓના જીવ આજે તાળવે ચોંટી ગયા હતા. જે બાદ તમામ વાલીઓ આ TRP મોલ તરફ દોડી આવ્યા હતા અને પોતાના બાળકોને શોધી રહ્યા હતા. જ્યાં કેટલાક વાલીઓની આંખોમાં આસૂઓ જોવા મળ્યા તો કેટલાકની આખોમાં ડરનો માહોલ હતો. પરંતુ આવી ઘટનાઓ જ્યારે બને છે ત્યારે મનમાં એક સવાલ જરૂરથી આવે છે. શું સરકારી વિભાગો આગની આવી હોનારતો પહેલા પોતાની જવાબદારીથી છટકી જાય છે.

સુરત તક્ષશિલ હોનારત
તક્ષશિલા અગ્નિકાંડને 5 વર્ષ પૂર્ણ થયા છે પરંતુ હાલમાં ગુજરાતના તમામ લોકોને તે કાળો દિવસ યાદ છે. જ્યારે આજથી પાંચ વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ આખા અગ્નિકાંડમાં હજુ પણ વાલીઓને ન્યાય મળ્યો નથી.

નિયમોનું ઉલ્લંઘન અને મોતનો માતમ
મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા શોપિંગ કોમ્પલેક્ષ, ટ્યુશન ક્લાસના ગેરકાયદે બાંધકામ પર ચેકિંગ કેમ કરતી નથી. આ ઉપરાંત શાળાઓમાં પણ ચેકિંગ કરીને ગેરકાયદેસર બાંધકામ દૂર કરવામાં કેમ ઉદાસીન રહે છે. ત્યાં જ અમદાવાદના બોપલમાં આવેલા TRP મોલમાં જે રીતે ગેરકાયદે બાંધકામ કરીને પીજી ચલાવવામાં આવતા હતા. ત્યાં પણ આગની ઘટના પહેલા કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી. હાલમાં પણ રાજયમાં ઘણા એવા ગેમઝોન ચાલી રહ્યા છે જ્યાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે. ફાયર સેફ્ટીના નિયમોનો ઉલાળિયો થતા જ આ પ્રકારની ઘટનાઓ બને છે. સરકાર વારંવાર નિયમો બનાવે છે પરંતુ મોલમાલિકો અને ગેમઝોનના સંચાલકો આ નિયમોનો ઉલાળિયો કરી આવી દુર્ઘટનાઓને આમંત્રણ આપે છે.

આ પણ વાંચો: LIVE Updates: રાજકોટનો TRP મોલ ‘મોતનો ગેમ ઝોન’, 20ના મોત

તક્ષશિલા અગ્નિકાંડનો એ ગોઝારો દિવસ ગુજરાતના ઈતિહાસમાં ક્યારેય ભૂલી શકાય તેવો નથી. જેમાં 22 માસુમ વિદ્યાર્થીઓ આગમાં હોમાયા હતા. ત્યારે હવે રાજકોટના TRP મોલનો ગેમઝોન મોતનો ગેમઝોન બની ગયો છે. જ્યાં નવથી વધુ લોકોના મોત થયા છે. ત્યારે હવે ગુજરાત સરકારે આ મામલે તપાસના આદેશ આપી દીધા છે અને આ હોનારતમાં જે લોકો દોષિત ઠરશે તેમના વિરૂદ્ધ કડક કાર્યવાહીના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.

ગુજરાતમાં બનેલી મોટી દુર્ઘટનાઓ

  • 24 મે, 2019: સુરતની તક્ષશિલા આગ્નિકાંડમાં 22 બાળકોના મોત થયા.
  • 30 ઓક્ટોબર, 2022: મોરબી બ્રિઝ હોનારતમાં 55 બાળકો સહિત 135 લોકોના મોત થયા હતા.
  • 1 મે, 2021: ભરૂચ હોસ્પિટલ આગ દુર્ઘટનામાં 18 લોકોના મોત
  • 6 ઓગસ્ટ, 2020: શ્રેય હોસ્પિટલ અગ્નિકાંડમાં કોરોનાના 8 દર્દીના મોત
  • 18 જાન્યુઆરી, 2024: વડોદરાના હરણી તળાવમાં બોટ પલટવાથી 12 બાળકો સહિત 14ના મોત

ઘટનાની તપાસ SIT કરશે: CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના TRP મોલના ગેમિંગ ઝોનમાં લાગેલી આગની નોંધ લીધી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે રાજકોટમાં ગેમ ઝોનમાં આગની ઘટનામાં મહાનગરપાલિકા અને વહીવટીતંત્રને તાત્કાલિક બચાવ અને રાહત કાર્ય માટે સૂચના આપવામાં આવી છે. ઘાયલોની તાત્કાલિક સારવારની વ્યવસ્થાને પ્રાથમિકતા આપવા પણ સૂચનાઓ આપવામાં આવી છે. મુખ્યમંત્રીએ રાજકોટના કલેકટર સાથે ફોન પર વાત કરી આગની સ્થિતિ અંગે માહિતી લીધી હતી. આટલું જ નહીં મુખ્યમંત્રીએ ઘટનાની તપાસ SIT દ્વારા કરાવવાનો નિર્ણય કર્યો છે.